અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે રમાઇ રહેલી વિશ્વકપ 2023ની ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બેટરોનો દેખાવ દર્શકોની ઊંચી અપેક્ષાની સામે નિરાશાજનક રહ્યું હતું અને નિયમિત અંતરે વિકેટ પડી હતી. તેનાથી ભારત કોઇ મોટો સ્કોર ખડો કરી શક્યું ન હતું.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. વિરાટ કોહલીના 54 અને લોકેશ રાહુલના 66 રનની મદદથી ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 240 રનનો સ્કોર નોંધાવ્યો હતો. 50મી ઓવરના અંતિમ બોલ પર બે રન લેવાના પ્રયાસમાં કુલદીપ યાદવ રન આઉટ થયો હતો અને ભારત વર્તમાન ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ઓલ-આઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયન બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે ત્રણ તથા જોસ હેઝલવૂડ અને કેપ્ટન પેટ કમિન્સે બે-બે તથા ગ્લેન મેક્સવેલ અને એડમ ઝામ્પાએ એક-એક વિકેટ ઝડપી હતી.
કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી ઓપનિંગમાં આવી હતી. રોહિત શર્માએ પોતાના અંદાજમાં આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ શુભમન ગિલ પાંચમી ઓવરના બીજા બોલ પર માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો. તે સમયે ટીમનો સ્કોર 30 રન હતો. ગિલની વિકેટ મિચેલ સ્ટાર્ક લીધી હતી. રોહિત શર્માએ 31 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 47 રન નોંધાવીને આઉટ થયો હતો.
આ પછી સળંગ બે સદી ફટકારનારો શ્રેયસ ઐય્યર બેટિંગમાં આવ્યો હતો પરંતુ તે પણ ચાર રન નોંધાવીને કેપ્ટન પેટ કમિન્સના બોલ પર પેવેલિયન ભેગો થયો હતો.
81 રનમાં ભારતે ત્રણ મહત્વની વિકેટો ગુમાવી દીધા બાદ વિરાટ કોહલી અને લોકેશ રાહુલે બાજી સંભાળી હતી. જોકે, આ જોડીએ ધીમી બેટિંગ કરી હતી. આ જોડીએ 67 રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલી અડધી સદી ફટકાર્યા બાદ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો. પેટ કમિન્સના એક બોલને ડિફેન્ડ કરવામાં કટ એન્ડ બોલ્ડ થયો હતો. તેને 63 બોલમાં ચાર ચોગ્ગા સાથે 54 રન નોંધાવ્યા હતા.
કોહલી 29મી ઓવરમાં આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવના બદલે રવિન્દ્ર જાડેજાને બેટિંગમાં ઉપરના ક્રમે મોકલવામાં આવ્યો હતો. જાડેજા 22 બોલમાં નવ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. લોકેશ રાહુલે 107 બોલમાં 66 રન નોંધાવ્યા હતા જેમાં તેણે ફક્ત એક જ ચોગ્ગો ફટકાર્યો હતો. મોહમ્મદ શમી છ અને બુમરાહ એક રન નોંધાવીને આઉટ થયા હતાં. સૂર્યકુમાર યાદવે 28 બોલમાં એક ચોગ્ગા સાથે 18 રનનું યોગદાન આપ્યું હતું. કુલદીપ યાદવે 10 તથા મોહમ્મદ સિરાજે અણનમ 9 રનનું યોગદાન આપ્યું હતું.