યુનિવર્સિટી કોલેજ લંડન (UCL) દ્વારા ભારતના 100 તેજસ્વી વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ માટે એક નવી સ્કોલરશિપ યોજના અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે દેશમાં સમર સ્કૂલની જાહેરાત કરી હતી. યુકેની મોખરાની યુનિવર્સિટીમાં સ્થાન ધરાવતી UCL દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું હતું કે, તેની નવી ઇન્ડિયા એક્સેલન્સ સ્કોલરશિપથી ભારતના હોંશિયાર વિદ્યાર્થીઓને ઇન્સ્ટિટ્યૂશનમાં પૂર્ણ સમયનો માસ્ટર ડિગ્રી અભ્યાસ કરવામાં મદદ મળશે.
યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, જે વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ ડિગ્રી મેળવી છે અથવા તેમાં આગળ વધી રહ્યા છે તેમને શૈક્ષણિક વર્ષ 2024-25માં 33 સ્કોલરશિપ આપવામાં આવશે. જ્યારે બાકીની 67 સ્કોલરશિપ આવનારા બે વર્ષમાં આપવામાં આવશે.
UCLના પ્રેસિડેન્ટ અને પ્રોવોસ્ટ ડો. માઇકલ સ્પેન્સે જણાવ્યું હતું કે, અમે ભારતીય વિદ્યાર્થી માટે નવી અને વિવિધ તકો રજૂ કરતા ખૂબ જ ખુશી અનુભવીએ છીએ, જે તેમના પ્રત્યેની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે અને તે ભારત સાથેના અમારા સંબંધોને મજબૂત કરે છે.