પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, કુદરતી કારણો અને અકસ્માતો સહિતના વિવિધ કારણોસર 2018થી ઓછામાં ઓછા 403 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં મૃત્યુ પામ્યા છે. 34 દેશોમાંથી સૌથી વધુ મૃત્યુ કેનેડામાં થયા છે.

કેન્દ્રીય પ્રધાન વી મુરલીધરને રાજ્યસભામાં ડેટા રજૂ કરતાં જણાવ્યું હતું કે 2018થી અત્યાર સુધીમાં 403 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં મૃત્યુ પામ્યા છે.મંત્રાલયના ડેટા મુજબ કેનેડામાં 2018 થી અત્યાર સુધીમાં 91 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે, ત્યારબાદ યુનાઇટેડ કિંગડમ (48), રશિયા (40), યુનાઇટેડ સ્ટેટ્સ (36), ઓસ્ટ્રેલિયા (35), યુક્રેન (21), જર્મની(20), સાયપ્રસ (14), તથા ઇટાલી અને ફિલિપાઇન્સ (દરેક 10)ના મોત થયા છે.

વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારી માટે કેન્દ્રની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે ભારતીય મિશનના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ નિયમિતપણે કોલેજો અને યુનિવર્સિટીઓની મુલાકાત લે છે અને ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. જો કોઈ અપ્રિય ઘટના બને છે, તો તે ઘટનાની યોગ્ય રીતે તપાસ થાય અને ગુનેગારોને સજા થાય તે સુનિશ્ચિત કરવા માટે યજમાન દેશના સંબંધિત અધિકારીઓ સાથે તરત સંપર્ક કરવામાં આવે છે. પીડિત વિદ્યાર્થીઓને કટોકટીની તબીબી સંભાળ, બોર્ડિંગ અને જ્યારે જરૂર પડે ત્યારે રહેવા સહિતની વ્યાપક કોન્સ્યુલર સહાય પણ આપવામાં આવે છે

LEAVE A REPLY