PTI photo

ઝારખંડમાંથી કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના વિવિધ ઠેકાણા પર ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડામાં આશરે રૂ.290 કરોડની જંગી રોકડ રકમ મળી આવતા ચકચાર મચી હતી. સમગ્ર દેશ અને મીડિયામાં આ આ મુદ્દા ચર્ચાનો વિષય બન્યો હતો. જપ્ત કરાયેલી નોટોની સંખ્યા એટલી વધારે હતી કે તેને ગણવા માટે 40 વોટ કાઉન્ટિંગ મશીનો લાવવામાં આવતા હતા અને કેટલાંક મશીનો પણ બગડી ગયા હતા. તિજોરીઓમાં રોકડ રૂપિયા ખીચોખીચ ભરેલા હતા. ઓડિશાના બોલાંગીર જિલ્લામાં દારૂની કંપની સાથે સંકળાયેલી 3 ઓફિસના 7 રૂમ અને 9 લોકર્સની તપાસ હજુ પણ બાકી હોવાથી આ રકમમાં હજુ વધારો થવાની પૂરી શક્યતા છે.

ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ સર્ચ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલી આ જંગી રકમ ભારતના ઇતિહાસની સૌથી મોટી કેશ રિકવરી માનવામાં આવે છે. આ મુદ્દે ભાજપના નેતાઓ કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. પૈસા ભરેલી 157 થેલીઓ ટ્રક દ્વારા બેંકમાં લઇ જવાયા હતા. બેગ ન મળતાં નોટોના બંડલ પણ કોથળામાં રાખવામાં આવ્યા હતા.  6 ડિસેમ્બરે આવકવેરા વિભાગ ઓડિશા સ્થિત બૌદ્ધ ડિસ્ટિલરી નામની શરાબ કંપની અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ સામે કાર્યવાહી ચાલુ કરી હતી. આ કંપનીઓ કોંગ્રેસના રાજ્યસભા સાંસદના અને તેમના પરિવાર સાથે જોડાયેલી છે.

સૌ પ્રથમ છ ડિસેમ્બરે બૌધ ડિસ્ટિલરી નામની શરાબ કંપની અને અન્યો સામે દરોડા પાડવામાં આવ્યાં હતા અને પછી કાળા નાણાનો આ ભંડાર મળી આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઓડિશાના બોલાંગીર જિલ્લામાં કંપનીના પરિસરમાં રાખવામાં આવેલી લગભગ 10 તિજોરીમાંથી આશરે રૂ. 230 કરોડની રોકડ ઝડપાઇ હતી. બાકીની રકમ તિતલાગઢ, સંબલપુર અને રાંચીના સ્થળોએથી જપ્ત કરાઈ હતી.

આ જંગી રકમની જપ્તીની નોંધ લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે દેશવાસીઓએ આ નોટોના ઢગલાને જોવા જોઈએ અને પછી તેમના નેતાઓના પ્રામાણિક ‘ભાષણો’ સાંભળવા જોઈએ…. જનતા પાસેથી જે કંઈ પણ લૂંટવામાં આવ્યું છે, દરેક પૈસો પરત ચૂકવવો પડશે. આ મોદીની ગેરંટી છે. ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજેડી)એ ટેક્સ દરોડાનું સ્વાગત કર્યું હતું. ઝારખંડ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જપ્ત કરાયેલા નાણાં કોંગ્રેસના નેતાઓના છે. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ દારૂના વેપારીઓ પાસેથી જપ્ત કરાયેલી “બેનામી સંપત્તિ”ના સ્ત્રોત જાહેર કરવાની માગણી કરી હતી.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, તેઓ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ છે. મારી પાસે જે માહિતી છે તે મુજબ રૂ. 290 કરોડની રોકડ ગણી લેવામાં આવી છે, 8 લોકર ખોલવાના બાકી છે અને 10 રૂમ ખોલવાના બાકી છે. જો આ સંખ્યા રૂ. 500 કરોડ સુધી જાય તો મને આશ્ચર્ય થશે નહીં.

 

LEAVE A REPLY

five + 20 =