રાની મુખરજીએ એક અલગ પ્રકારની ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે ત્રણ દસકાની કારકિર્દીમાં જુદી-જુદી ભૂમિકા ભજવી છે. પોતાની હિન્દી ફિલ્મની સીક્વલ બની હોય તેવી અનોખી અભિનેત્રીમાં રાનીનો સમાવેશ થાય છે. તેણે અભિનયમાં ઉંમરને વચ્ચે આવવા દીધી નથી.
તેણે ઉંમર અનુસાર ‘મર્દાની’ જેવી ભૂમિકા ભજવીને દર્શકો સાથે જોડાયેલી રહી છે. ગોવામાં યોજાયેલા 54મા IFFI (ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા) દરમિયાન તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધતી ઉંમરની કામમાં પડતી અસર વિશે વાત કરી હતી. રાનીએ આ અંગે જણાવ્યું હતું કે, તે નિવૃત્તિની ઉતાવળમાં નથી. 80 વર્ષની ઉંમર સુધી કામ કરતા રહેવાની ઈચ્છા છે.
રાનીએ ચર્ચા દરમિયાન જણાવ્યુ હતું કે, કલાકારનું મૂલ્યાંકન તેની ઉંમરના આધારે થવું જોઈએ નહીં. આપણા સિનેમામાં દર વખતે યુવાન લોકોને જોવાની ઈચ્છા હોય છે. કારણ કે, યુવાન ચહેરા હોય તો યુવાનો ફિલ્મ જોવા બહાર જશે. જોકે, વ્યક્તિએ હંમેશા યુવાન દેખાવાની ઈચ્છા રાખવી જોઈએ નહીં. આ વિચાર છેતરામણો છે. મનથી યુવાન રહેવું જોઈએ અને વધતી ઉંમરને સ્વીકારી આગળ વધવું જોઈએ. દર્શકો સ્વીકારી શકે તેવી ભૂમિકા ભજવવી જોઈએ અને તેણે વિચારીને આ બાબતે નિર્ણય લીધો હતો.
છેલ્લા 27 વર્ષથી બોલીવૂડમાં પોતાનું સ્થાન જાળવી રાખનાર રાની કોઈ ચોક્કસ ઉંમરની ભૂમિકામાં રહી નથી. દર્શકોએ વિવિધ પ્રકારની ભૂમિકામાં તેને સ્વીકારી હોવાથી ઉંમરના બંધનને તોડવામાં પોતે સફળ રહી હોવાનું તેણે કહ્યું હતું. વધુમાં રાનીએ 80 વર્ષની ઉંમર સુધી કામ કરતા રહેવાનું દર્શકોને વચન આપ્યું હતું.