ટીવી પ્રોડક્શન અને પત્રકારત્વમાં 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ભારતમાં જન્મેલા 71 વર્ષીય મીડિયા એક્ઝિક્યુટિવ ડૉ. સમીર શાહની બીબીસીના નવા અધ્યક્ષ તરીકે યુકે સરકારના પસંદગીના ઉમેદવાર તરીકે કરવામાં આવી છે. તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સન સાથેની વાતચીત તપાસ દરમિયાન બહાર આવ્યા બાદ રાજીનામું આપનાર રિચાર્ડ શાર્પનું સ્થાન લેશે.

ડૉ. સમીર શાહને 2019માં રાણી એલિઝાબેથ II દ્વારા ટેલિવિઝન અને હેરિટેજની સેવાઓ માટે કમાન્ડર ઑફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ઔપચારિક ચાર્જ સંભાળે તે પહેલા તેમની હાઉસ ઓફ કોમન્સ મીડિયા કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ સિલેક્ટ કમિટીના ક્રોસ-પાર્ટી સાંસદો દ્વારા પૂછપરછ કરવામાં આવશે.

યુકેના કલ્ચરલ સેક્રેટરી લ્યુસી ફ્રેઝરે બુધવારે આ નિમણૂક પ્રક્રિયાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું. ” ડૉ. સમીર શાહની સ્પષ્ટ મહત્વાકાંક્ષા છે કે BBC ઝડપથી બદલાતા મીડિયા લેન્ડસ્કેપમાં સફળ થાય, અને મને ખાતરી છે કે તેઓ BBC ને ભવિષ્યના પડકારો અને તકોને પહોંચી વળવા માટે જરૂરી સમર્થન અને ચકાસણી પ્રદાન કરશે.”

ડૉ. શાહે જણાવ્યું હતું કે, “બીબીસી, કોઈ શંકા વિના, વૈશ્વિક સંસ્કૃતિમાં આપણે આપેલા સૌથી મોટા યોગદાનમાંનું એક છે અને સોફ્ટ પાવર પર અમારા સૌથી મજબૂત કૉલિંગ કાર્ડ્સમાંનું એક છે. જો હું આ તેજસ્વી સંસ્થાને મારા કૌશલ્યો, અનુભવ અને જાહેર સેવા પ્રસારણની સમજ આપી શકીશ તો તે એક સન્માનની વાત હશે. બ્રિટિશ જીવનમાં બીબીસીનું એક મહાન સ્થાન છે અને સમગ્ર દેશમાં વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચવાની અનન્ય ફરજ છે. વધુને વધુ સ્પર્ધાત્મક બજારમાં તેને પરિપૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા હું મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ.”

ભારતના ઔરંગાબાદમાં જન્મેલા શાહ 1960માં ઈંગ્લેન્ડ આવ્યા હતા અને અગાઉ બીબીસીમાં વર્તમાન બાબતો અને રાજકીય કાર્યક્રમોના વડા હતા. ઇન્ડિપેન્ડન્ટ ટેલિવિઝન અને રેડિયો પ્રોડક્શન કંપની જ્યુનિપરના સીઈઓ અને માલિક શાહે 2007 અને 2010 વચ્ચે બીબીસીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રેસ રિલેશનશિપ નિષ્ણાત છે અને સરકારના 2021ના કમિશન ઓન રેસ એન્ડ એથનિક ડેસ્પેરીટીઝ રીપોર્ટના અહેવાલના સહલેખક હતા. શાહના સાવકા ભાઈ, મોહિત બકાયા, BBC રેડિયો 4 ના પૂર્વ કંટ્રોલર છે.

ગયા વર્ષે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ બાદ લેસ્ટર શહેરમાં સમુદાયના જૂથો વચ્ચે થયેલી અથડામણ – અશાંતિની સ્વતંત્ર રીતે સમીક્ષા કરવા માટે સરકાર દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની પેનલમાં તેમનું નામ આપવામાં આવ્યું હતું.

બીબીસીના અધ્યક્ષ તરીકે સપ્તાહમાં ત્રણ દિવસના કામ બદલ £160,000ના વાર્ષિક પગાર માટે તેમણે બીબીસીની જાળવણી, રક્ષણ કરવા ઉપરાંત લાયસન્સ ફીના ભાવિ અંગે સરકાર સાથે વાટાઘાટોનું નેતૃત્વ પણ કરવાનું રહેશે. બીબીસી સ્વતંત્ર હોવા છતાં, તેના અધ્યક્ષની નિમણૂક સરકાર દ્વારા કરાય છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments