ફુગાવાના દરમાં ઘટાડો અને વધી રહેલા રીટેઇલ વેચાણમાં વધારાને પગલે આ સમરમાં યુકેની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે 0.1 ટકા ઘટી હોવાના આંકડાઓ છતાં નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે યુકે આગામી મંદીમાંથી બચી જશે. ટીકાકારોએ જણાવ્યું હતું કે અર્થતંત્ર પરના વાદળો નવા વર્ષમાં સમયસર ખસી જશે. ONS ડેટા અનુસાર નવેમ્બરમાં ફુગાવાનો દર ઘટીને 3.9 ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં 4.6 ટકા હતો
વડા પ્રધાન ઋષિ સુનકે નિર્દેશ કર્યો છે કે ‘’વર્ષની શરૂઆતમાં કરાયેલી આગાહીઓની તુલનામાં, યુકેની અર્થવ્યવસ્થા અન્ય યુરોપીયન દેશોની સરખામણીએ વધુ ઝડપથી વિકસી છે અને અર્થવ્યવસ્થાએ સારું પ્રદર્શન કર્યું છે. અમે ખરેખર જર્મની જેવા અમારા યુરોપિયન પડોશીઓ કરતાં વધુ ઝડપથી વિકાસ કર્યો છે. થોડા અઠવાડિયા પહેલા ઓટમ સ્ટેટમેન્ટમાં, ચાન્સેલરે ભાવિ વૃદ્ધિને ચલાવવામાં મદદ કરવા માટે રોકાણ કરી રહ્યા હોય તેવા બિઝનેસીસના ટેક્સમાં ઘટાડો કર્યો ઠે. સ્વતંત્ર નિષ્ણાતોએ કહ્યું છે કે તે ફાયદો કરશે. અમે હવે પરિવારો માટે કર ઘટાડવા માટે સક્ષમ છીએ, અને તે કર કાપ નોંધપાત્ર છે.’’
ચાન્સેલર જેરેમી હંટે કહ્યું હતું કે ‘’યુકેની અર્થવ્યવસ્થા માટેનો મધ્યમ ગાળાનો અંદાજ આ આંકડાઓ સૂચવે છે તેના કરતાં વધુ આશાવાદી છે.’’
યુકેની જીડીપી એપ્રિલ અને જૂન વચ્ચે અગાઉના 0.2 ટકાની વૃદ્ધિના અનુમાન પછી પણ સપાટ રહી હતી. અર્થશાસ્ત્રીઓ માને છે કે બ્રિટન મંદી ટાળી શકે છે. ગયો મહિનો 2020 પછી બ્રિટિશ કારના ઉત્પાદન માટે શ્રેષ્ઠ નવેમ્બર રહ્યો હતો. તો FTSE 100 એ ડિસેમ્બરમાં કહેવાતી ‘સાન્ટા રેલી’નો આનંદ માણ્યો હતો, જેનો દર છેલ્લા મહિનાની સરખામણીમાં 2.7 ટકા વધારે છે.
અર્થશાસ્ત્રીઓએ નિર્ણાયક ક્રિસમસ ટ્રેડિંગ સમયગાળામાં 0.4 ટકાના વધારાની આગાહી કરી હતી. પણ નવેમ્બરમાં રિટેલ વેચાણનું પ્રમાણ 1.3 ટકા વધ્યું હતું.