વેબ સીરિઝ અને હિન્દી ફિલ્મોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહેલા પંકજ ત્રિપાઠીની નવી ફિલ્મ ‘મૈં અટલ હું’ તાજેતરમાં રીલીઝ થઇ હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીના જીવન આધારિત આ ફિલ્મમાં વાજપેયીજીના રાજકીય જીવનને દર્શાવવામાં આવ્યું છે. તેમાં ગાંધીજીની હત્યાથી લઇને કારગિલ યુદ્ધ સુધીની ઐતિહાસિક ઘટનાઓ અને વાજપેયીજીના રાજકીય સંઘર્ષને રજૂ કરાયો છે.
આ ફિલ્મમાં બાબરી મસ્જિદ ધ્વંસ, પોખરણ અણુ ધડાકા જેવી ઘટનાઓ પણ દર્શાવવામાં આવી છે. તેમાં દર્શાવવામાં આવે છે કે, અટલબિહારી વાજપેયી (પંકજ ત્રિપાઠી) ફિલ્મ જોઈ રહ્યા છે. તેઓ પોતાના મિત્ર સાથે લોકોની માનસિકતા અને મીડિયાની ચર્ચા કરે છે.
અચાનક તેમની ચર્ચામાં ગાંધીજીની હત્યાનો વિષય આવે છે. વાજપેયીજીની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય રહી ચૂકેલા નથ્થુરામ ગોડ્સેએ આચરેલી હિંસાની વાજપેયીજી ટીકા કરે છે. પછી રાજકીય ફલક પર કટોકટીના સમયે વાજપેયીજીનું મહત્ત્વ દર્શાવાય છે. તેઓ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો જે રીતે મુકાબલો કરે છે તેની કહાની છે.
પોખરણ અણુ ધડાકા માટે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સ્વ. અબ્દુલ કલામને વાજપેયીજીએ અભિનંદન આપ્યા હતા. રવિ જાધવ દિગ્દર્શિત આ ફિલ્મમાં પીયૂષ મિશ્રા, રાજા રમેશકુમાર સેવક, દયાશંકર પાંડેય, પ્રમોદ પાઠક, પાયલ કપૂર નાયર, હર્ષદ કુમાર, પ્રસન્ના કેતકર, હરેશ ખેત્રી, પૌલા મેકગ્લીન અને ગૌરી સુખતંતકાર મહત્ત્વના રોલમાં છે. ફિલ્મમાં વાજપેયીજીના જીવનની સાથે બદલાતા રાજકીય સમીકરણો અને દેશના મતદારોની માનસિકતા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.