દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ના કાર્યાલયે સરકારના અધિકારીઓ માટે જારી કરેલી એક આંતરિક નોટથી લોકસભાની ચૂંટણીની વહેલી યોજનાની અટકળોને વેગ મળ્યો હતો. આ આંતરિક નોટમાં મતદાનની સંભવિત તારીખ 16 એપ્રિલ દર્શાવવામાં આવી છે. 2019માં લોકસભાની ચૂંટણી 10 માર્ચે જાહેર કરાઈ હતી. ગઇ વખતે 11 એપ્રિલથી 19મે સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. 23મેના રોજ મતોની ગણતરી કરવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણી પહેલા સરકારના અધિકારીઓને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં મદદ કરવા માટે આ નોટ જારી કરાઈ હતી.
આ અંગેના સવાલના જવાબમાં CEC ઓફિસે જણાવ્યું હતું કે લોકસભા 2024ની આગામી સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી પંચે એક રેફરન્સ તરીકે અને ચૂંટણીના આયોજનના શરૂઆત અને સમાપ્તિની તારીખોની ગણતરી કરવા માટે કામચલાઉ રીતે મતદાનનો દિવસ 16.04.2024 આપ્યો છે.
સીઇઓ ઓફિસે વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીની 16 એપ્રિલની તારીખ અંગે ઘણા મીડિયામાંથી સવાલ આવ્યા છે. તેથી અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે ECIના ઇલેક્શન પ્લાનર મુજબ પ્રવૃત્તિઓનું આયોજન કરવા અધિકારીઓ માટે માત્ર એક રેફરન્સ તરીકે આ તારીખનો ઉલ્લેખ કરાયો છે.
મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં દિલ્હીના સીઈઓના કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી કે 2024ની લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ચૂંટણીને લગતી મોટી સંખ્યામાં પ્રવૃત્તિઓનું આયોજન કરવું અને તેને પૂર્ણ કરવી જરૂરી છે. “ECI પ્લાનર આવી બધી મહત્વની પ્રવૃત્તિઓને સૂચિબદ્ધ કરે છે અને તે પ્રવૃત્તિઓ શરૂ કરવા અને પૂર્ણ કરવા માટે રેફરન્સ પોઇન્ટ આપે છે. તેથી પત્રમાં કામચલાઉ મતદાનની તારીખ તરીકે ઉલ્લેખિત તારીખ ચૂંટણી અધિકારીઓ માટે “માત્ર સંદર્ભ હેતુ માટે” હતી અને તેને ચુંટણીના વાસ્તવિક સમયપત્રક સાથે કોઇ લેવાદેવા નથી. વાસ્તવિક સમયપત્રની યોગ્ય સમયે ચૂંટણીપંચ જાહેરાત કરશે.