ભાજપના નેતાઓએ વચગાળાના બજેટને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો રોડમેડ ગણાવીને ગણાવ્યું હતું કે તે રામરાજ્યનું વિઝન પ્રદાન કરે છે અને આત્મનિર્ભર દેશ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે વચગાળાનું બજેટ 2047 સુધીમાં વિકસિત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને હાંસલ કરવા માટેનો રોડમેપ છે.આ બજેટ ભારતને દરેક ક્ષેત્રે અગ્રેસર રાષ્ટ્ર બનાવવાની તેની સફરમાં છેલ્લા 10 વર્ષમાં મોદી સરકાર દ્વારા હાંસલ કરેલા સીમાચિહ્નો પર પ્રકાશ ફેંકે છે.
વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં સરકાર “ગરીબી હટાઓ” ના નારા આપવામાં માનતી નથી પરંતુ તેમને ગરીબીમાંથી બહાર લાવવા માટે કામ કરે છે. બજેટમાં મધ્યમ વર્ગ માટે આવાસ યોજનાની દરખાસ્ત કરીને ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું હતું. મોદીએ તેમના અથાક પ્રયાસોથી 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે જ્યારે ભારતની વૃદ્ધિએ પણ રેકોર્ડ તોડ્યા છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે “સકારાત્મક” બજેટની પ્રશંસા કરતા કહ્યું કે તે મોદીના વિઝનથી પ્રેરિત આત્મવિશ્વાસ, મજબૂત, આત્મનિર્ભર અને વિકસિત ભારત માટેના વિઝનની રૂપરેખા આપે છે. આ બજેટ ભારતના ઝડપી આર્થિક પરિવર્તનની ઝલક આપે છે. આ બજેટમાં સમાજના દરેક વર્ગ માટે કંઈક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ, હાઉસિંગ અને ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે મોટી જોગવાઈ છે.