બ્રિટનના 75 વર્ષીય મહારાજા ચાર્લ્સ IIIને બેનાઇન પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટની સર્જરી કરાયા બાદ તા. 29ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ આગામી એક મહિના સુધી કોઈ શાહી ફરજો નિભાવશે નહીં. તેમને શુક્રવારે તા. 26ના રોજ સવારે સેન્ટ્રલ લંડનની ‘લંડન ક્લિનિક’ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમની તબિયત સારી હોવાનું કહેવાય છે.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રાજા ચાર્લ્સે સ્મિત કરી લોકો સામે હાથ લહેરાવ્યો હતો. રાજાએ હોસ્પિટલમાં ત્રણ રાત વિતાવી હતી. રાણી કેમિલાએ તેમની ચાર વખત મુલાકાત લીધી હતી. રાણી કેમિલાએ જણાવ્યું હતું કે રાજા “સારો પ્રતિભાવ આપી રહ્યા છે.” કિંગ ચાર્લ્સે તેમની પુત્રવધૂ પ્રિન્સેસ ઑફ વેલ્સ, કેથરીનની મુલાકાત લીધી હતી જેના પર ગયા અઠવાડિયે પેટની સર્જરી કરવામાં આવી હતી અને તેમને પણ રજા આપવામાં આવી હતી.
બકિંગહામ પેલેસે એક નિવેદનમાં કહ્યું હતું કે કિંગ ચાર્લ્સ દ્વારા આગામી એપોઇન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરાઇ છે. રાજાએ તેમની હોસ્પિટલની મુલાકાત અને સારવારમાં સામેલ તમામનો આભાર માન્યો હતો.
સર્જરીની તૈયારી માટે મહારાજા ગુરુવારે નોર્ફોકથી લંડન આવી પહોંચ્યા હતા. શુક્રવારના રોજ લંડન જતા પહેલા રાજા રોયલ સેન્ડ્રિંગહામ એસ્ટેટમાં રોકાયા હતા અને ત્યાં કેટલાક કાર્યો પૂર્ણ કર્યા હતા. કિંગ ચાર્લ્સ, જેમણે ફક્ત 16 મહિના પહેલા સિંહાસન પર બિરાજ્યા હતા. શસ્ત્રક્રિયા પહેલા ડોકટરોએ તેમને આરામ કરવાની વિનંતી કરતાં તેમણે કેટલીક શાહી એપોઇન્ટમેન્ટ રદ કરવી પડી હતી.
વડા પ્રધાન ઋષિ સુનકે ચાર્લ્સને તેમની સારવાર માટે “ખૂબ જ શ્રેષ્ઠ” અને તે પછી “ઝડપથી સાજા” થવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કિંગને 17 જાન્યુઆરીના રોજ બિરખાલ, એબરડીનશાયર ખાતે રોકાયા બાદ, તપાસ માટે ગયા પછી બેનાઇન પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટના લક્ષણો જણાયા હતા. કિંગે અન્ય પુરુષોને પણ બેનાઇન પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટની તપાસ માટે પ્રોત્સાહિત કરવા પોતાની બીમારીના સમાચાર શેર કરવા માંગતા હોવાનું માનવામાં આવે છે.
બેનાઇન પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટના લક્ષણો 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં દેખાય છે અને તે પેશાબને અસર કરી શકે છે. પેલ્વિસમાં આવેલી એક નાની ગ્રંથિ જે પુરુષ પ્રજનન પ્રણાલીનો ભાગ છે તે કદમાં વૃદ્ધિ પામે છે. ડોકટરો માને છે કે તે પુરુષોની ઉંમર વધવાની સાથે થતા હોર્મોનલ ફેરફારોના કારણે તે થાય છે. પ્રોસ્ટેટ કેન્સરથી તેને અલગ પાડવા માટે તેને ‘બેનાઇન પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે, જે એક જીવલેણ સ્થિતિ છે અને તે માટે તાત્કાલિક સારવારની જરૂર છે.