‘દંગલ’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મ બનાવી ચુકેલા નિતેશ તિવારીના નવા પ્રોજેક્ટ ‘રામાયણ’ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. નિતેશે થોડા વર્ષ અગાઉ તેના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે રામાયણના કથાનકને એક ભવ્યતા સાથે સિનેમામાં દર્શાવવા ઈચ્છે છે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મના કલાકારો અંગે ખૂબ જ રોમાંચક વિગતો બહાર આવી રહી છે.
ત્રણ ભાગમાં બનનારી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામનો રોલ કરશે અને સીતામાતાની ભૂમિકા માટે સાઉથની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવીનું નામ ચર્ચામાં છે. ફિલ્મમાં રાવણના રોલ માટે KGFથી જાણીતા બનેલા યશની પસંદગી થઇ હોવાનું કહેવાય છે. હવે ‘રામાયણ’ના પાત્રો સાથે જોડાયેલ નામોમાં વધુ એક અપડેટ સામે આવી છે. એક રીપોર્ટ મુજબ આ ફિલ્મમાં હનુમાનના રોલ માટે ગદર 2ના એક્ટર સની દેઓલ સાથે વાત કરવામાં આવી હતી. હવે તેની ભૂમિકા નક્કી થઇ ગઇ હોવાનું કહેવાય છે. સૂત્રો કહે છે કે, હનુમાનની ભૂમિકા ભજવવા માટે સની દેઓલ ખૂબ જ આતુર છે.