સુપ્રીમ કોર્ટે મંગળવારે આરજેડી નેતા તેજસ્વી યાદવ સામેની તેમની કથિત “ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે” ટિપ્પણીના મામલે બદનક્ષીની ફરિયાદને રદ કરી હતી. તેજસ્વી પોતાના નિવેદનને પાછું ખેંચી લેવા સંમત થયા પછી સર્વોચ્ચ અદાલતે તેમને આ રાહત આપી હતી.
બિહારના પૂર્વ ડેપ્યુટી CMએ આ કેસને ગુજરાતમાંથી ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અરજદારે રેકોર્ડ પરનું પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હોવાને ધ્યાનમાં રાખીને અમે કેસ રદ કર્યો છે. તે મુજબ તેનો નિકાલ કરવામાં આવ્યો છે.”
અમદાવાદની કોર્ટમાં પડતર ફોજદારી માનહાનિની ફરિયાદને ટ્રાન્સફર કરવા માટે તેજસ્વી યાદવે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે 5 ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે 29 જાન્યુઆરીએ તેજસ્વી યાદવને “ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે” તેવી તેમની કથિત ટિપ્પણીને પાછી ખેંચીને યોગ્ય નિવેદન દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
તેજસ્વીએ 19 જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતમાં તેમની કથિત “ગુજરાતી ઠગ્સ” ટિપ્પણીને પાછી ખેંચી લેતું એક સોગંદનામું દાખલ કર્યું હતું.
અગાઉ RJD નેતાની અરજીની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે ફોજદારી માનહાનિની ફરિયાદમાં કાર્યવાહી પર રોક લગાવી હતી અને ગુજરાતના ફરિયાદીને નોટિસ આપી હતી.
અમદાવાદની કોર્ટે ઓગસ્ટમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ તેજસ્વી યાદવ સામે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને સમન્સ મોકલવા માટે પૂરતા કારણો મળ્યા હતાં. તેજસ્વી યાદવ સામે સ્થાનિક બિઝનેસમેન અને સામાજિક કાર્યકર હરેશ મહેતાએ આ ફરિયાદ દાખલ કરી હતી.