રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના શરદ પવાર અને અજિત પવાર જૂથ વચ્ચેની લડાઇમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આખરે ગુરુવારે તેમના નિર્ણય જાહેર કર્યો હતો. સ્પીકરે અજિત પવારના કેમ્પને અસલી એનસીપી ગણાવી છે તથા અજિત અને શરદ પવાર ગ્રૂપે એકબીજાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની કરેલી અરજીઓને ફગાવી દીધી હતી. ગયા સપ્તાહે ચૂંટણીપંચે પણ અજિત પવારના વડપણ હેઠળની પાર્ટીને અસલી એનસીપી ગણાવી હતી.
મુંબઈમાં વિધાનસભા સંકુલમાં પોતાના ચુકાદો વાંચતા સ્પીકરે જણાવ્યું હતું કે “ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની તમામ અરજીઓ ફગાવી દેવામાં આવે છે.” અજિત પવાર જુલાઈ 2023માં એનસીપીમાં બળવો કરીને શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતાં. આ પછી શરદ પવાર અને તેમના ભત્રીજા અજિત પવારે એકબીજાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ કરી હતી.
નાર્વેકરે જણાવ્યું હતું કે પક્ષના સ્થાપક શરદ પવારના નિર્ણયો પર સવાલ ઉઠાવવા અથવા તેમની ઇચ્છાઓની અવગણવી કરવી તે પક્ષપલટા સમાન નથી, પરંતુ તે માત્ર આંતરિક અસંમતિ છે. આ કેસમાં પક્ષપલટા વિરોધી જોગવાઈઓ સાથે સંબંધિત બંધારણની દસમી સૂચિનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. એનસીપીમાં ભંગાણ પડ્યું ત્યારે અજિત પવાર જૂથ પાસે બહુમતી હતી.
સ્પીકરના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા,NCP – શરદચંદ્ર પવાર પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે અગાઉ નાર્વેકરે શિવસેના-વિરુદ્ધ શિવસેનાના કેસમાં આપ્યો હતો તે ચુકાદાની નકલ કરી છે.