આગામી એક વર્ષમાં ભારત અને બ્રિટનમાં સામાન્ય ચૂંટણીઓ થનાર છે ત્યારે વિપક્ષી લેબર પાર્ટીએ બ્રિટિશ ભારતીયો સાથે જોડાવા માટે અને ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા માટે એક નવી ડાયસ્પોરા આઉટરીચ સંસ્થા “લેબર ઈન્ડિયન્સ”ની સ્થાપનાની લંડનમાં પાર્લામેન્ટ સંકુલમાં જાહેરાત કરી હતી.
પાર્ટીના શેડો ફોરેન સેક્રેટરી, ડેવિડ લેમીએ મંગળવારે સાંજે લોન્ચિંગ વખતે તેમની તાજેતરની ભારતની મુલાકાત અંગે અપડેટ આપી જો લેબર આગામી ચૂંટણી જીતે તો ભારત-યુકે ભાગીદારી માટેની તેમની મહત્વાકાંક્ષાઓ શેર કરી હતી.
ભારતને “સુપર પાવર” તરીકે વર્ણવતા, લેબર નેતા લેમીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’ભારત સાથેના વ્યૂહાત્મક મહત્વનો અર્થ એ છે કે સંબંધ પક્ષના રાજકીય વિભાજનને પાર કરે છે. ભારત એક સુપરપાવર ઉદ્યોગસાહસિક, નવીન, વૈજ્ઞાનિક, ઔદ્યોગિક આધાર અને સુપરપાવર કદની વસ્તી ધરાવતું મહાસત્તા છે. અલબત્ત, ભારત પાસે હજુ પણ પડકારો છે. પરંતુ મને કોઈ શંકા નથી કે આ ભૌગોલિક રાજકીય ક્ષણમાં યુકે સમજે કે ભારત વિશ્વની મહાસત્તા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
પાર્ટીના ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બીનના નેતૃત્વમાં લેબર સાથે સંકળાયેલા કેટલાક નેતાઓના ભારત વિરોધ અંગે જવાબ આપતા લેમીએ કહ્યું કે ‘’વિરોધ પક્ષ કેર સ્ટાર્મરના નેતૃત્વમાં પોતાની જાતને બદલી રહ્યો છે. મને લાગે છે કે ભારતીય સમુદાયમાં કેટલીક ધારણા તે સમયગાળામાં રચાઈ હતી. ભારતનો મારો પ્રવાસ આગળ જોવા વિશે હતો.”
લેમીએ ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) નું “કામ પૂરું” કરવા માટે લેબર પક્ષની પ્રતિબદ્ધતા જાહેર કરતાં કહ્યું હતું કે “જો સરકાર વેપાર સોદો કરવામાં સફળ ન થાય, તો અમે કામ પૂર્ણ કરવા અને તેને સુરક્ષિત કરવાનો ઇરાદો ધરાવીએ છીએ.’’ લેબર પાર્ટીને માત્ર બ્રિટિશ ભારતીય સમુદાયની જ નહીં પરંતુ ભારતની પણ નજીક લાવવા માટે ભારત-યુકે સ્પેસમાં નવા ડાયસ્પોરા જૂથ જે ભૂમિકા ભજવી શકે છે તેનું લેમીએ સ્વાગત કર્યું.
લેબર ઇન્ડિયન્સના અધ્યક્ષ ક્રિશ રાવલે જણાવ્યું હતું કે “અમે ખરેખર સમાવિષ્ટ બનવા માંગીએ છીએ.” તેમને સાથી બ્રિટિશ ભારતીય વાઇસ-ચેર, કાઉન્સિલર શમા ટેટલર અને વેલ્સમાંથી લેબરના સંભવિત સંસદીય ઉમેદવાર કનિષ્ક નારાયણનું સમર્થન છે.
ટેટલરે કહ્યું હતું કે “ભારતીય પરિવારો વિવિધ કારણોસર લેબર પાર્ટીથી દૂર થયા હતા અને અમે સ્ટાર્મરની નેતાગીરીમાં સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ.”
લેબર પાર્ટીએ તાજેતરમાં સમર્પિત ઈન્ડિયા એન્ગેજમેન્ટ ઓર્ગેનાઈઝરની નિમણૂક કરી છે જે આ વર્ષના ઉત્તરાર્ધમાં અપેક્ષિત સામાન્ય ચૂંટણી સાથે યુકેમાં 1.8-મિલિયન મજબૂત ભારતીય ડાયસ્પોરા સાથે જોડાવા આતુર છે.