પ્રિન્સ વિલિયમ સાથેના કથિત અફેરને લઈને ફરતી અફવાઓનો રોઝ હેનબરીએ આખરે રદીયો આપ્યો છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેમની સામેના આક્ષેપો “સંપૂર્ણપણે ખોટા” છે. તેણીના કાનૂની પ્રતિનિધિઓ દ્વારા બિઝનેસ ઇનસાઇડરને તેણીનો પ્રતિભાવ પહોંચાડવામાં આવ્યો છે.
બીજી તરફ 42 વર્ષીય પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટનની રહસ્યમય જાહેર ગેરહાજરીને કારણે તેઓ મરણ પામ્યા છે, તેમના સ્થાને બોડી ડબલ છે અથવા પ્રિન્સ ઓફ વેલ્સના લગ્ન મુશ્કેલીમાં હોવાની અફવાઓ અને કોન્સપીરસી થીયરી વિશ્વભરના સોશિયલ મીડિયામાં દાવાનળની જેમ વ્યાપી હતી. કેટ અને તેમના બાળકોને દર્શાવતો મધર્સ ડે વખતનો ફોટોગ્રાફ વિવાદાસ્પદ રીતે પાછો ખેંચી લેવાતા બળતામાં ઘી હોમાયું હતું. તેમના વિશેની ઓનલાઈન અને વિચિત્ર, પાયાવિહોણી અને નુકસાનકારક કોન્સપીરસી થિયરીઓનો જો કે અંત આવે તેમ લાગતું નથી.
જાન્યુઆરીમાં તેમના પેટની શસ્ત્રક્રિયા બાદ પ્રિન્સ વિલિયમ સાથે શોપીંગ કરવા નીકળેલા કેટ મિડલટનના પ્રથમ ફૂટેજ બહાર આવ્યાના થોડા કલાકો બાદ જ પ્રિન્સ વિલિયમ તા. 19ના રોજ શાહી ફરજો પર પાછા ફર્યા ત્યારે તેઓ ખુશ જણાતા હતા. પ્રિન્સ ઓફ વેલ્સ શેફિલ્ડમાં આગામી પાંચ વર્ષમાં બ્રિટનમાં બેઘર લોકોની સમસ્યાઓનો અંત લાવવામાં મદદ કરવાના તેમના ધ્યેયને આગળ વધારવા માટે ગયા હતા. વિલિયમે લોકોનું અભિવાદન કરી બેઘર પરિવારો સાથે વાત કરી હતી.
ધ સન દ્વારા પ્રકાશિત ફૂટેજમાં ભાવિ રાણી કેટ શોપિંગની બેગ સાથે ઝડપથી ચાલતા અને શનિવારે બપોરે તેમના પતિ સાથે એનિમેટેડ ચેટ કરતા બતાવાયા હતા.
40 વર્ષની હેનબરી પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના નજીકના સામાજિક વર્તુળનો ભાગ છે. “ધ લેટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટ”ના એપિસોડ દરમિયાન સ્ટીફન કોલ્બર્ટના અફેરના આરોપોને પગલે તેણી સ્પોટલાઇટમાં આવી હતી.
કોલ્બર્ટે રમૂજી રીતે કહ્યું હતું કે “કેટ મિડલટનના દેખીતી રીતે અદૃશ્ય થઈ જવાથી સામ્રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. હવે, ઈન્ટરનેટ નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે કેટની ગેરહાજરી તેના પતિ અને ઈંગ્લેન્ડના ભાવિ રાજા વિલિયમના અફેર સાથે સંબંધિત હોઈ શકે છે.”
જો કે હેનબરીને ડ્યુક વિલિયમના અફેરની અફવાઓ 2019થી ચાલી આવે છે. હેનબરીના વંશજો શાહી પરિવાર સાથે દાયકાઓથી જોડાયેલા છે. તેણીની દાદી, લેડી એલિઝાબેથ લેમ્બાર્ટ, 1947માં રાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપના લગ્નમાં બ્રાઇડ્સમેડ બની હતી. હેનબરી નોર્ફોક એસ્ટેટ, હોગટન ખાતે શાહી દંપતીની નજીક રહે છે.
જો કે, પ્રિન્સ વિલિયમની કાનૂની ટીમે આના દાવાઓને ભારપૂર્વક નકારી કાઢ્યા છે.












