અમેરિકાના પોર્ટલેન્ડમાં શનિવારે થયેલા કાર અકસ્માતમાં આંધ્રપ્રદેશની એક મહિલા અને તેની પાંચ વર્ષની પુત્રીનું મોત થયું હતું. ઓરેગોનમાં હબાર્ડ તરફના હાઈવે 211 પર વુડબર્ન વિસ્તાર પાસે તેમની કાર અન્ય વાહન સાથે અથડાઈ હતી. નાની બાળકી હાનિકનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું, જ્યારે તેની માતા કામથમ ગીતાંજલિ (32)ને પોર્ટલેન્ડની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવી હતી. જોકે મંગળવારે ગીતાંજલિનું પણ મોત થયું હતું.
ગીતાંજલિ આંધ્ર પ્રદેશના એનટીઆર જિલ્લાના કોનાકાંચીની વતની છે. તેમના પતિ નરેશ અને પુત્ર બ્રામન પણ તે જ કારમાં હતા, જેનો અકસ્માત થયો હતો. જોકે, તેમની વધારે ગંભીર ઈજા થઈ ન હતી. તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગીતાંજલિના જન્મ દિવસની ઉજવણી કરવા માટે પરિવાર ટ્યુલિપ ફેસ્ટિવલ જઈ રહ્યો હતો. જ્યાં રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્યો હતો. કાર અકસ્માતમાં ગીતાંજલિના પુત્ર બ્રામનનો પગ તૂટી ગયો હતો અને તેના પર સર્જરી કરવામાં આવી હતી. ગીતાંજલિના પતિ નરેશની પાંસળીઓ તૂટી ગઈ હતી અને ખભામાં ફ્રેક્ચર થયું હતું.