પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સિએટલના કિર્કલેન્ડની પોલીસે ઇન્ડિયન અમેરિકન સહિત દક્ષિણ એશિયનોના ઘરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી પાંચ આરોપીની ધરપકડ કરી હતી. તેઓ ભાડાની મિલકતો અને કારનો ઉપયોગ કરતા હતાં અને વારંવાર તેમનું સ્થાન બદલતા હતાં.

સિએટલના પૂર્વમાં આવેલા સબર્બ કિર્કલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં ભારતીય અમેરિકન અને અન્ય દક્ષિણ એશિયન રહેવાસીઓને નિશાન બનાવીને ઓછામાં ઓછી 17 ઘરફોડ ચોરી કરવાના આરોપ તેમની આ ધરપકડ કરાઈ હતી.

મીડિયા રીલીઝ મુજબ, રવિવાર, માર્ચ 24 ના વહેલી સવારે વોશિંગ્ટનના રેડમન્ડમાં ભાડાના મકાનો પર દરોડા પછી પાંચની ધરપકડ કરાઈ હતી.

કિર્કલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે ઈસ્ટસાઈડ ઈન્ડિયન અમેરિકન અને સાઉથ એશિયન કોમ્યુનિટીના સભ્યોએ તેમના ઘરોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓમાં વધારો થયો હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ ફેબ્રુઆરીમાં તપાસ શરૂ થઈ હતી. કિર્કલેન્ડ ક્રાઈમ એનાલિસ્ટ્સે ઘરફોડ ચોરીના ડેટાની સમીક્ષા કરી અને ભારતીય-અમેરિકન અને એશિયન-અમેરિકન પીડિતો સામેના ગુનાઓમાં સંભવિત વધારો શોધી કાઢ્યો હતો. ફેબ્રુઆરીના અંતમાં સર્વેલન્સ ફૂટેજ અને સાક્ષીઓના એકાઉન્ટ્સે કિર્કલેન્ડના નોર્થ રોઝ હિલ પડોશમાં ઘરફોડ ચોરી સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદો અને ભાડાના વાહનની ઓળખ કરી હતી. શકમંદોમાંથી એક શખસની ઓળખ કેલિફોર્નિયાના પામડેલના રહેવાસી તરીકે થઈ હતી. તે એક દોષિત ગુનેગાર તરીકે લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

તપાસકર્તાઓએ શોધી કાઢ્યું હતું કે શંકાસ્પદ શખસ કેલિફોર્નિયા અને વોશિંગ્ટન વચ્ચે વારંવાર પ્રવાસ કરતો હતો. તે પોતાના સ્થાનો બદલવા માટે ટૂંકા ગાળાની ભાડાની મિલકતોનો ઉપયોગ કરતો હતો. શકમંદોએ કાર પણ ભાડે લીધી હતી અને વાહનની લાઈસન્સ પ્લેટોને ચોરી કરેલી પ્લેટો સાથે બદલી નાખી હતી. આ માહિતી બે મહિનાની તપાસમાં એકત્રિત કરવામાં આવી હતી. 24 માર્ચે એક મલ્ટી-એજન્સી ટીમે રેડમન્ડ રેન્ટલ પર દરોડા પાડ્યા હતા, જેમાં સધર્ન કેલિફોર્નિયામાંથી પાંચ શખસોની ધરપકડ કરાઈ હતી. પોલીસે ચોરેલી વસ્તુઓ પણ જપ્ત કરી હતી, જેમાં 17,000 ડોલરથી વધુની રોકડ અને ઘણી બધી હાઈ-એન્ડ બેગ્સ સહિત કેટલાક ઈક્વિપમેન્ટનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

20 − seven =