REUTERS/Mohammad Ponir Hossain

બાંગ્લાદેશમાં અવામી લીગના નેતા શેખ હસીનાના વડાપ્રધાન પદેથી રાજીનામું પછી લઘુમતીઓ અને ખાસ કરીને હિન્દુ સમુદાય પર થયેલા હુમલાનો વિરોધ કરવા માટે હિન્દુઓએ હજારોની સંખ્યામાં એકઠા થઈને ઉગ્ર વિરોધી દેખાવો કર્યા હતાં અને પોતાના જીવન, સંપત્તિ અને પૂજા સ્થાનોને સુરક્ષાની માગણી કરી હતી. હિન્દુઓએ જાહેર કર્યું હતું કે

‘બાંગ્લાદેશ અમારી માતૃભૂમિ છે અને અમે ક્યાંય જઈશું નહીં’, પરંતુ સુરક્ષા જરૂરી છે. મીડિયા અહેવાલો અનુસાર, અગાઉની સરકારના પતન બાદથી દેશભરમાં 100 થી વધુ હિંદુઓ અને અન્ય લઘુમતીઓની હત્યા કરાઈ છે. દેશના 52 જિલ્લામાં લઘુમતીઓ પર હુમલાની ઓછામાં ઓછા 205 ઘટના બની છે.

રવિવારે, હિંદુઓ અને અન્ય લઘુમતીઓએ ‘બાંગ્લાદેશ હિન્દુ, બુદ્ધ, ખ્રિસ્તી એકતા જૂથના નેજા હેઠળ – બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાઓ સામે એક વિશાળ વિરોધ રેલી કાઢી હતી. રવિવારના વિરોધમાં દેશના અગ્રણી લઘુમતી જૂથ હિંદુઓની આગેવાની હેઠળ અસંખ્ય લઘુમતીઓના લોકોની ભાગીદારી જોવા મળી હતી. દેખાવકારોએ બાંગ્લાદેશી રાષ્ટ્રધ્વજ સાથે ભગવા રંગનો ધ્વજ પણ લહેરાવ્યો હતો જેમાં ભગવાન રામના ચિત્ર સાથે ‘જય શ્રી રામ’ લખેલું હતું.
યુએને લઘુમતીઓ પરના અત્યાચારની નોંધ લઇને મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે સુરક્ષાની ખાતરી કરવા અનુરોધ કર્યો હતો. યુનુસે અલ્પસંખ્યક સમુદાયો પરના હુમલાઓને “જઘન્ય” ગણાવીને તેની ટીકા કરી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments