ફેશન મોડેલ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ અચાનક એક એવો દાવો કર્યો છે જેના કારણે બોલીવૂડમાં ઘણી ચર્ચા થઇ રહી છે. ઉર્વશી, છેલ્લાં કેટલાક સમયથી પોતાની સાઉથ ઇન્ડિયાની ફિલ્મોને કારણે ઘણી ચર્ચામાં રહે છે. આ સંજોગોમાં તાજેતરમાં તેણે એક રસપ્રદ નિવેદન આપ્યું છે કે, ટૂંક સમયમાં સાઉથમાં તેનું મંદિર જોવા મળશે.
એક મીડિયા ઇન્ટરવ્યુમાં ઉર્વશીએ કહ્યું કે તેના નામનું એક મંદિર બન્યું છે અને લોકો તેની પૂજા પણ કરે છે. તેને આશા છે કે સાઉથમાં તેના વધુ મંદિરો પણ બને. તેના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ છે. ઉર્વશીએ સાઉથમાં ચિરંજીવી તેમજ બાલાક્રિશ્ના જેવા કલાકારો સાથે કામ કર્યું છે અને બંનેના વિશાળ સંખ્યામાં ચાહકો છે. ત્યારે તેને આશા છે કે તેના મંદિરની વાત ટૂંક સમયમાં એક વાસ્તવિકતા બની શકે છે.
સાઉથમાં આ પહેલાં ઘણા સેલેબ્રિટીના મંદિર બની ચૂક્યા છે. ઉર્વશીના સાઉથમાં વધતા કામ અને દબદબાના પગલે તે પણ આવી સેલીબ્રિટીની યાદીમાં જોડાય તેવી શક્યતા વધુ છે. ઉર્વશી માટે 2025નું વર્ષ મહત્વનું રહેવાનું છે. તેની ‘ડાકુ મહારાજ’ 100 કરોડ ક્લબમાં પ્રવેશી ચૂકી છે, તેણે સની દેઓલ સાથે ‘જાટ’માં પણ કામ કર્યું છે. હવે તે ‘વેલકમ 3’, ‘બાપ’, ‘ઇન્સ્પેક્ટર અવિનાશ 2’ તેમજ પરવીન બાબીની બાયોપિક અને જેસન ડેરુલોના મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરવાની છે.
