એક મોટો નિર્ણય લઇને કેન્દ્ર સરકારે બુધવારે જાહેરાત કરી કે આગામી વસ્તી ગણતરીમાં પારદર્શક રીતે જાતિ ગણતરીનો સમાવેશ કરવામાં આવશે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરીની માંગની કરી રહ્યાં છે ત્યારે સરકારના આ નિર્ણયનું વિશેષ મહત્ત્વ છે. વિપક્ષે બિહાર, તેલંગાણા અને કર્ણાટક જેવા કેટલાક રાજ્યોએ આવા જાતિ સર્વેક્ષણો પણ હાથ ધર્યા હતાં. જોકે સરકારે જાતિ સર્વેક્ષણનો રાજકીય સાધન” તરીકે ઉપયોગ કરવા બદલ વિપક્ષી પક્ષોની ટીકા કરી હતી.
૧૮૮૧ થી ૧૯૩૧ દરમિયાન બ્રિટિશ ભારતમાં થયેલી વસ્તી ગણતરી દરમિયાન તમામ જાતિઓની ગણતરી કરવામાં આવી હતી, પરંતુ ૧૯૫૧માં સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરી સમયે, તત્કાલીન સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાય હવે અન્ય જાતિઓની ગણતરી ન કરવાનો નિર્ણય લીધો હતો. એક દાયકા પછી, ૧૯૬૧માં, કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું કે તેઓ પોતાના સર્વેક્ષણ કરે અને જો તેઓ ઈચ્છે તો રાજ્ય-વિશિષ્ટ OBC યાદીઓ તૈયાર કરે.
છ દાયકાથી વધુ સમય પછી અને અનેક વર્ગો અને વિવિધ પક્ષોની માંગણીઓ પછી સરકારે હવે આગામી રાષ્ટ્રવ્યાપી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.
રાજકીય બાબતોની કેબિનેટ સમિતિના આ નિર્ણયની નિર્ણયની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી કેન્દ્રના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, પરંતુ કેટલાક રાજ્યોએ સર્વેક્ષણના નામે “અપારદર્શક રીતે” જાતિ ગણતરી કરી છે જેનાથી સમાજમાં શંકાઓ ઉભી થઈ છે. સ્વતંત્રતા પછી હાથ ધરવામાં આવેલી તમામ વસ્તી ગણતરી કવાયતમાં જાતિનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
કોંગ્રેસ સરકારો હંમેશા જાતિ વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે અને પાર્ટી આ મુદ્દાનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરે છે. આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને અને રાજકારણથી સામાજિક માળખાને ખલેલ ન પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે, સર્વેક્ષણોને બદલે વસ્તી ગણતરીમાં પારદર્શક રીતે જાતિ ગણતરીનો સમાવેશ થવો જોઈએ. આનાથી આપણા સમાજનું સામાજિક અને આર્થિક માળખું મજબૂત બનશે જ્યારે રાષ્ટ્ર પ્રગતિ કરવાનું ચાલુ રાખશે.
