આમિર ખાનની સીક્વલ ફિલ્મ ‘સિતારે ઝમીં પર’ને જુન મહિનામાં રિલીઝ કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. આ ફિલ્મને આમિરની કમબૅક ફિલ્મ માનવામાં આવે છે. આર. એસ. પ્રસન્ના દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 20 જૂને રિલીઝ થશે. ‘તારે ઝમીન પર’ની સીક્વલ આ ફિલ્મમાં વિકલાંગતાના મુદ્દાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેની કહાની અગાઉની ફિલ્મ કરતાં તદ્દન નવી અને અલગ હશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આમિર હવે સંપૂર્ણ ફિલ્મના પ્રમોશનની યોજનાઓમાં વ્યસ્ત. આમિર ઇચ્છે છે કે કોઈ એવી તારીખે ફિલ્મ રિલીઝ થાય જેમાં તેને જૂન મહિનામાં ખુલ્લું મેદાન મળી રહે. પહેલાં 30 મેએ આ ફિલ્મને રીલીઝ કરવાનું આયોજન હતું. સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, “આમિરને આ ફિલ્મની કહાનીમાં સંપૂર્ણ વિશ્વાસ છે, કારણ કે આ ફિલ્મમાં લાફ્ટર-ઇમોશન-ડ્રામા ભરપૂર છે. આ ફિલ્મનો સંપૂર્ણ માર્કેટિંગ પ્લાન પણ બની ગયો છે.”
આમિરના ચાહકો આ ફિલ્મના ટ્રેલરની પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આમિરે એક એવો માર્કેટિંગ પ્લાન બનાવ્યો છે જેના કારણે ફિલ્મ વધુ સંખ્યામાં લોકોના ધ્યાનમાં આવી શકશે. સૂત્રના જણાવ્યા અનુસાર, “આમિરે ટ્રેલર નક્કી કરી નાખ્યું છે અને તેનો વિચાર આ ટ્રેલરને અજય દેવગણની રેડ 2ના ટ્રેલર સાથે જોડવાનો છે. તેની પાછળ જે લોકો ફિલ્મ જોવા જાય છે, એવા લોકોને સીધી જ રિલીઝ ડેટ જણાવવાનો હેતુ છે,
સાથે જ રેડ 2 એવી ફિલ્મ છે, જે થીએટરમાં સારી ચાલશે એવી અપેક્ષા છે. હાલ આમિરનો પ્લાન આવો છે, પણ આમિરના સ્વભાવ મુજબ, તેમાં છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર પણ થઈ શકે છે.” લાંબા સમય પછી જેનિલિયા ડીસોઝા દેશમુખ મોટા પડદે પાછી ફરી રહી છે, આ ફિલ્મમાં જેનિલિયા પ્રથમવાર આમિર સાથે કામ કરતી જોવા મળશે.
