ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ મંદિરના કપાટ છ મહિના બંધ રહ્યા બાદ રવિવારે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતાં.વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિરના દરવાજા સવારે 6 વાગ્યે ખોલવામાં આવ્યા હતા.મંદિરને વિવિધ પ્રકારના પંદર ટન ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ભારતીય સેનાએ ભક્તિ સંગીત વગાડ્યું હતું.
બદ્રીનાથના કપાટ ખુલવાની સાથે જ આ વર્ષની ચારધામ યાત્રા પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. કેદારનાથના કપાટ ગયા શુક્રવારે ખોલવામાં આવ્યા હતાં. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરો 30 એપ્રિલે ખોલવામાં આવ્યા હતાં.
લગભગ 10 મિનિટ સુધી હેલિકોપ્ટરથી ભક્તો પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ઢોલના તાલ, આર્મી બેન્ડના સૂર સાથે હજારો ભક્તો ‘જય બદ્રી વિશાલ’ના નારા લગાવ્યા હતાં.
ધાર્મિક વિધિઓ મુજબ, દેવી લક્ષ્મીને ગર્ભગૃહમાંથી બહાર કાઢીને મંદિરની પરિક્રમા કરાવવામાં આવી હતી અને બાદમાં લક્ષ્મી દેવીને મંદિરની અંદર બેસાડવામાં આવ્યા હતાં. આ પછી ભગવાન કુબેર અને ભગવાન ઉદ્ધવને બદ્રીનાથ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા હતાં. મુખ્ય મંદિરની સાથે, બદ્રીનાથ ધામમાં સ્થિત ગણેશ, ઘંટાકર્ણ, આદિ કેદારેશ્વર, આદિ ગુરુ શંકરાચાર્ય મંદિર અને માતા મૂર્તિ મંદિરના દરવાજા પણ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.
દર વર્ષે દિવાળી પછી, ચાર ધામ – બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ભક્તો માટે બંધ કરવામાં આવે છે. પછીના વર્ષે એપ્રિલ-મે મહિનામાં આ દરવાજા ફરી ખુલે છે.
