ભરઉનાળાને રવિવારે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર સહિતના જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદથી ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી હતી, પરંતુ તેનાથી ખાસ કરીને ઉભા પાક અને ખુલ્લામાં રાખેલા પાકને નુકસાન થયું હતું. મહીસાગરમાં વીજળી પડતાં બે પશુના મોતના અહેવાલ આવ્યા હતાં. બનાસકાંઠા જિલ્લામાં વીજળીના કડાકા સાથે કરા પણ પડ્યાં હતાં.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરીને જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. 7 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વીજળી અને વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો.
IMDએ તેના તાજેતરના બુલેટિનમાં જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 6મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ તથા 7થી 8 મેએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વરસાદને કારણે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી ઘટાડો થવાની ધારણા છે. વરસાદને કારણે અમદાવાદમાં મહત્તમ તાપમાન આગામી સાત દિવસમાં 39 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 35-36 ડિગ્રી થવાની સંભાવના છે. જોકે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. 40 ડિગ્રી તાપમાનમાં શેકાતાં વડોદરા શહેરમાં ગરમી ઘટીને 35થી 36 ડિગ્રી થઈ શકે છે.
IMDના જણાવ્યા મુજબ મુજબ ગુજરાતના દરિયાકાંઠાને અડીને આવેલા ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં ૫૦-૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઊંચા મોજા ઉછળી શકે છે.
