ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે 7મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી અડ્ડા પર કરેલા મિસાઇલ હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો નાનો ભાઈ અબ્દુલ રઉફ અઝહર સહિતના ત્રાસવાદીઓના મોત થયા હોવાનું માનવામાં આવે છે.
ભાજપે અબ્દુલ રઉફ અઝહરના ફોટા સાથે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી અને તેના પર “એલિમિનેટેડ” લખ્યું હતું.
મોસ્ટ-વોન્ટેડ આતંકવાદી અબ્દુલ રઉફ અઝહર ૧૯૯૯માં કંદહારમાં ઇન્ડિયન એરલાઇન્સના IC ૮૧૪ વિમાનના હાઇજેકનો માસ્ટરમાઇન્ડ હતો. તે પઠાણકોટ આતંકવાદી હુમલા અને ૨૦૦૧માં સંસદ પરના હુમલામાં પણ સામેલ હતો. કાઠમંડુથી દિલ્હી જતા ઇન્ડિયા એરલાઇન્સ વિમાનને હાઇજેક કરીને કંદહાર લઈ જવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર 190 મુસાફરોના બદલામાં ભારતને ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવાની ફરજ પડી હતી – જેમાંથી એક મસૂદ અઝહર હતો.
મસૂદ અઝહરના નામે એક નિવેદનમાં ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે ભારતે બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય, જામિયા મસ્જિદ સુભાન અલ્લાહને નિશાન બનાવ્યું ત્યારે તેના પરિવારના 10 સભ્યો અને તેના ચાર સાથીઓ માર્યા ગયા હતા.
૨૦૦૦માં તેની સ્થાપના થઈ ત્યારથી, બંને ભાઈઓના નિયંત્રણ હેઠળનું જૈશ-એ-મોહમ્મદ ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલું હતું, જેમાં ૨૦૦૧માં સંસદ હુમલો, ૨૦૦૨ માં યુએસ પત્રકાર ડેનિયલ પર્લની હત્યા, ૨૦૦૮માં મુંબઈ આતંકવાદી હુમલો, ૨૦૧૬માં પઠાણકોટ હુમલો અને ૨૦૧૯ માં પુલવામા હુમલોનો સમાવેશ થાય છે.
