
પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શુક્રવાર, 9મેએ તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરી હતી. સાવચેતીના પગલાં તરીકે સરકારે 15મે સુધી ડ્રોન અને ફટાટકના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે “રાષ્ટ્ર વિરોધી ભાવનાઓ ફેલાવનારા” સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્ય પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાય, ગુપ્તચર બ્યુરોના અધિકારીઓ, પોલીસ કમિશનરો, રેન્જ ઇન્સ્પેક્ટર જનરલો, જિલ્લા પોલીસ અધિક્ષકો અને સાયબર ક્રાઇમ અધિકારીઓ હાજર રહ્યા હતાં
વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાનને ફોન કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ફોન કર્યો હતો અને સરહદી રાજ્ય તરીકે ગુજરાતની તૈયારીઓ વિશેની પૂછપરછ કરી હતીવડાપ્રધાનને નાગરિકો, ખાસ કરીને સરહદી જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને જામનગર જિલ્લામાં રહેતા લોકોની સલામતી અને સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
શુક્રવારે સવારે ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિભાગોના વડાઓ અને સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
