
પાકિસ્તાને ગુરુવાર, 8મેની મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના શ્રીનગરથી જેસલમેર અને પઠાણકોટ સુધીના 36 શહેરોમાં અથવા તેની નજીકના ભારતીય લશ્કરી સ્થાપનો પર 300થી 400 ટર્કિશ ડ્રોનથી હુમલો કર્યો હતો. સિયાચીન ગ્લેક પર પાકિસ્તાની ડ્રોન પણ જોવા મળ્યા હતા.ગઈકાલે રાત્રે ભારતીય શહેરોને નિશાન બનાવવાના પાકિસ્તાનના પ્રયાસોનો ભારતીય સશસ્ત્ર દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
શુક્રવારે સાંજ પ્રેસ બ્રિફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી તથા કર્નલ સોફિયા કુરેશ અને વ્યોમિકા સિંહે આ અંગેની માહિતી આપી હતી. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે, 8 અને 9 મેની રાત્રે પાકિસ્તાને આપણા લશ્કરી મથકોને નિશાન બનાવવા માટે ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું.પાકિસ્તાને ગઈકાલે રાત્રે કાશ્મીરના લેહથી ગુજરાતના સર ક્રીક સુધી 36 સ્થળોએ 300-400 ડ્રોન મોકલ્યા હતા જેથી ભારતીય લશ્કરી મથકોને નિશાન બનાવી શકાય અને ભારતીય લશ્કરે આ ડ્રોનને તોડી પાડ્યા હતાં.
મિસરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની ગુરુદ્વારા, મંદિરો સહિતના પૂજા સ્થળોને નિશાન બનાવ્યા અને તે દેશ માટે પણ આ એક નવું નીચું સ્તર છે.
શુક્રવારે ભારતના સરહદી શહેર અમૃતસરમાં બે કલાકથી વધુ સમય સુધી સાયરન વાગતી રહી હતી અને લોકોનેને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. ચંદીગઢમાં પણ શુક્રવારની સવારે સાયરનો વાગી ઉઠી હતી.
ભારતે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કરી મથકો તથા રાજસ્થાન, ગુજરાત અને પંજાબના અનેક શહેરો પર પાકિસ્તાનના હવાઈ હુમલાના બીજા રાઉન્ડને નિષ્ફળ બનાવ્યો. બધી મિસાઇલો અને ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા હતા અને કોઇ નુકસાન કે જાનહાનિની અહેવાલ મળ્યા ન હતાં.
ભારતીય આર્મીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ કાશ્મીરમાં બંને દેશોની વાસ્તવિક સરહદ પર પણ ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન” કર્યું હતું. ડ્રોન હુમલાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા અને યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો.
ઇસ્લામાબાદે અગાઉ ભારતના પંજાબ રાજ્યના પઠાણકોટ શહેર, કાશ્મીર ખીણમાં શ્રીનગર અને રાજસ્થાન રાજ્યના જેસલમેર પર હુમલાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ આરોપો “નિરાધાર” અને “રાજકીય રીતે પ્રેરિત” છે.
ગુરુવારે રાત્રે કાશ્મીરના સાંબા ક્ષેત્રમાં ભારતીય આર્મીએ એક મોટી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. ભારતીય સુરક્ષા દળોએ સાત ઘુસણખોરોને ઠાર કર્યા હતા. શુક્રવારે પણ ઉરી વિસ્તારમાં ભારે તોપમારો ચાલુ રહ્યો હતો. ઉરી સેક્ટરમાં થયેલા ગોળીબારમાં ઘણા ઘરોમાં આગ લાગી ગઈ અને નુકસાન થયું હતું. રાત્રે થયેલા ગોળીબારમાં એક મહિલાનું મોત થયું હતું અને બીજી ઘાયલ થઈ થઈ હતી.
જમ્મુ, શ્રીનગર અને અન્ય કેટલાક શહેરોમાં આખી રાત બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું. પંજાબમાં સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં, બિકાનેર, જોધપુર અને બાડમેરમાં બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું.
ભારતના ૨૪ એરપોર્ટ બંધ:
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય ઉડ્ડયન સત્તાવાળાઓએ ગઈકાલે 24 એરપોર્ટ બંધ કર્યા હતા. આમાં ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, શિમલા, જોધપુર, જમ્મુ અને પઠાણકોટના એરપોર્ટનો સમાવેશ થાય છે.
શાળાઓ, કોલેજો બંધ:
પંજાબે તેના છ સરહદી જિલ્લાઓમાં બધી શાળાઓ બંધ કરી દીધી છે. પંજાબ અને હરિયાણાની સામાન્ય રાજધાની ચંદીગઢમાં, બધી શાળાઓ શનિવાર સુધી બંધ કરી દેવામાં આવી છે. રાજસ્થાને પણ ઘણા જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી છે. આજે સવારે, દિલ્હીની બે શાળાઓ – ડીપીએસ આરકે પુરમ અને ડીપીએસ મથુરા રોડ – એ પણ જાહેરાત કરી કે તેઓ બંધ રહેશે.
IPL મેચ રદ:
IPL ચેરમેન અરુણ ધુમલે જણાવ્યું હતું કે, ધર્મશાળા સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL મેચ ગઈકાલે સાવચેતીના પગલા તરીકે રદ કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને દિલ્હી લઈ જવા માટે ખાસ વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી છે.
