ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષ બાદ નાગરિક ઉડાન સંચાલન માટે બંધ કરાયેલા ગુજરાતના સાત સહિત ભારતના કુલ 32 એરપોર્ટને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો હતો. 9 મેના રોજ રાજકોટ ખાતેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા પોરબંદર, જામનગર, કેશોદ (જૂનાગઢ જિલ્લો) અને ભુજ, મુન્દ્રા અને કંડલા (કચ્છ જિલ્લો) ખાતેના એરપોર્ટ નાગરિક વિમાનો માટે બંધ કરાયા હતાં.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી ગતિરોધને કારણે 9મે થી 15મે સુધી શ્રીનગર અને અમૃતસર સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટ પરથી નાગરિક ઉડાન કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ અન્ય ઉડ્ડયન સત્તાવાળાઓ સાથે મળીને એરમેનને નોટિસ (NOTAMs) જારી કરી હતી, જેમાં ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટને તમામ નાગરિક ઉડાન કામગીરી માટે કામચલાઉ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી.
