(PMO via PTI Photo)

પાકિસ્તાન સામે 7થી 10મે સુધીના ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત રાષ્ટ્રજોગ ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્રાસવાદીઓ સામેની કાર્યવાહી ફક્ત સ્થગિત કરાઈ છે અને ભારત ન્યૂક્લિયર બ્લેકમેઇલને કયારેય વશ થશે નહીં. પાકિસ્તાન સાથે હવે માત્ર આતંકવાદ અને પીઓકેના મુદ્દે જ મંત્રણા થશે. સિંધુ જળ કરારને પણ સ્થગિત જ રાખવાનો સ્પષ્ટ સંકેત આપતાં મોદીએ જણાવ્યું હતું લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં.

પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે અમે અમારી બદલાની કાર્યવાહી હાલ પૂરતી માત્ર મુલતવી રાખી છે. આગામી દિવસોમાં જોઈશું કે પાકિસ્તાન કેવું વલણ અપનાવે છે. ભારતની ત્રણેય સેનાઓ અને બીએસએફ એલર્ટ છે. સર્જિકલ અને હવાઈ હુમલા પછી આતંકવાદ સામે ઓપરેશન હાધ ધરવું તે હવે ભારતની નીતિ બની ચુકી છે. જો ભારત પર આતંકવાદી હુમલો થશે, તો યોગ્ય જવાબ અપાશે. અમે અમારી પોતાની શરતો પર વળતો જવાબ આપીશું. અમે દરેક જગ્યાએ કાર્યવાહી કરીશું, જ્યાં આતંકવાદના મૂળ હશે. ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલને સહન કરશે નહીં.

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે મંત્રણાનો સ્પષ્ટ ઇનકાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે હવે પાકિસ્તાન સાથે મંત્રણા થશે તો આતંકવાદ પર થશે, જો પાકિસ્તાન સાથે વાત થશે તો પીઓકે પર થશે. અમે યુદ્ધના મેદાનમાં તમામ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાવી છે. આપણે આપણી ક્ષમતાઓનું શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઓપરેશન દરમિયાન મેડ ઈન ઈન્ડિયા હથિયારોએ પોતાને સાબિત કર્યા છે, જે દુનિયા જોઈ રહી છે. આ યુદ્ધનો યુગ નથી પણ આ આતંકવાદનો યુગ પણ નથી. આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સ એ એક સારા વિશ્વની ગેરંટી છે. પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે. આ આતંકવાદ એક દિવસે પાકિસ્તાનને જ ખતમ કરી દેશે. જો પાકિસ્તાને બચવું જ છે, તો તેને આતંકવાદીના માળખાનો સફાયો કરવો પડશે. આના સિવાય શાંતિનો બીજો કોઈ રસ્તો નથી. ટેરર અને ટોક તથા ટેરર અને ટ્રેડની મંત્રણા એકસાથે ન થઈ શકે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે પહેલગામમાં રજાઓ માણી રહેલા દેશવાસીઓને ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતાં, જે દેશને તોડવાનો નિંદનીય પ્રયાસ હતો. ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને ટ્રેનિંગ સેન્ટરો પર પ્રહાર કર્યા છે. આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે ભારત આટલો મોટો નિર્ણય લેશે. દેશ એક થાય છે ત્યારે રાષ્ટ્ર સર્વોપરી બને છે અને કડક નિર્ણયો લેવામાં આવે છે અને પરિણામ પણ દેખાડવામાં આવે છે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોએ સિંદૂરને દૂર કરવાની કિંમત સમજી લીધી છે.

LEAVE A REPLY