નૈઋત્યનું ચોમાસું સોમવારે બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓના દક્ષિણ વિસ્તારોમાં અને આંદામાન સમુદ્રના ઉત્તરના કેટલાંક વિસ્તારોમાં આગળ વધ્યું હતું. છેલ્લા બે દિવસમાં નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. આનાથી પ્રાથમિક વરસાદી સિસ્ટમ નિર્ધારિત સમય કરતાં વહેલી એટલે કે 27મે કેરળ પહોંચવાની શક્યતા છે, એમ હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું.
દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્ર પર પશ્ચિમી પવનોની તાકાત અને ઊંડાઈમાં વધારો થયો હતો. સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર પવનની ગતિ 20 નોટથી વધુ હતી અને કેટલાક વિસ્તારોમાં 4.5 કિમી સુધી લંબાઈ હતી. વાદળછાયા વાતાવરણનું ઇન્ડિકેટર ગણાતા આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR) પણ ઘટ્યું છે. હવામાનની આ સ્થિતિ ચોમાસાની આગમનના માપદંડોને પૂરા કરે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તારના વધુ ભાગો, દક્ષિણ બંગાળની ખાડીના વધુ વિસ્તારો, સમગ્ર આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંદામાન સમુદ્રના બાકીના ભાગો ચોમાસુ આગળ વધે તેવી સાનુકૂળ સ્થિતિ બની છે. પ્રાથમિક વરસાદી સિસ્ટમ 1 જૂનની સામાન્ય તારીખ કરતાં વહેલી એટલે કે 27મએ કેરળ પહોંચવાની સંભાવના છે. જો કેરળમાં આ અંદાજ મુજબ મેઘરાજાનું આગમન થશે તો તે 2009 પછી સૌથી વહેલું આગમન હશે.
સામાન્ય રીતે નૈઋત્ય ચોમાસાનો પ્રારંભ પહેલી જૂનથી કેરળથી થતો હોય છે અને તે 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. અગાઉ એપ્રિલમાં IMD આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં વધુ કુલ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અલ નીનોની શક્યતાને પણ નકારી કાઢી હતી. અલ નીનોથી ભારતીય ઉપખંડમાં નબળા ચોમાસાની શક્યતા ઊભી થતી હોય છે.
