
ગુજરાત સરકારની ૧૨મી વાર્ષિક ‘ચિંતન શિબિર’નો ગુરુવાર, 27 નવેમ્બરે વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે પ્રારંભ થયો હતો. ‘સામુહિક ચિંતનથી સામુહિક વિકાસ તરફ’ની થીમ સાથે શિબિરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, તેમની કેબિનેટની પ્રધાનો, સરકારી અધિકારીઓ હાજરી આપી રહ્યાં છે.
આ વિચારમંથન સત્ર વહીવટી જરૂરિયાતો સાથે સુસંગત વધુ સંવેદનશીલ, ટેકનોલોજી-આધારિત અને પારદર્શક શાસન અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. રાજ્યના પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓ, મુખ્યપ્રધાન પટેલના નેતૃત્વમાં, વહેલી સવારે અમદાવાદથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેન દ્વારા રવાના થયા હતાં અને ધરમપુર પહોંચ્યા હતા.ત્રણ દિવસના આ સંમેલનમાં 240 જેટલા વરિષ્ઠ સરકારી અધિકારીઓ લઇને રાજ્યના ભાવિ વિકાસ માટે યોજના ઘડશે
અગાઉ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ કાર્યક્રમના આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાએ હાજરી આપી હતી.
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં રાજ્ય શાસનને વધુ નાગરિક-કેન્દ્રિત અને જન કલ્યાણલક્ષી બનાવવા અને શાસનની સરળતાની સંસ્કૃતિ વિકસાવવા માટે ‘ચિંતન શિબિર’નો પ્રારંભ કર્યો હતો. રાજ્ય સરકારે 12મી વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન કરીને આ પરંપરા ચાલુ રાખી છે.












