
યુકે સરકારે રેકોર્ડ-હાઇ નેટ માઇગ્રેશનને ઘટાડવા અને દેશની સરહદો પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે ઇમિગ્રેશન સિસ્ટમમાં વ્યાપક સુધારાની જાહેરાત કરી છે. 12 મેના રોજ બહાર પાડવામાં આવેલા ‘રીસ્ટોરીંગ કંટ્રોલ ઓવર ધ ઇમીગ્રેશન સીસ્ટમ’માં ઇમિગ્રેશન સિસ્ટમ પર નિયંત્રણ પુનઃસ્થાપિત કરવા હોમ સેક્રેટરી હ્વવેટ કૂપરે હાઇલી સ્કીલ્ડ માઇગ્રેશનને પ્રાથમિકતા આપવા અને વિદેશી કામદારો પર નિર્ભરતા ઘટાડવાના હેતુથી મુખ્ય સુધારાઓની રૂપરેખા આપી હતી.
સુધારાઓનું કેન્દ્રિય ધ્યાન કુશળ કામદારો માટે ધોરણ વધારવાનું છે. જરૂરી કૌશલ્ય સ્તર ઉચ્ચ પગાર થ્રેશોલ્ડ સાથે RQF 6 (સ્નાતક સ્તર) અને તેથી વધુ પર પાછું આવશે. અગાઉ અછતવાળા બિઝનેસીસ માટે પગારમાં ડિસ્કાઉન્ટની મંજૂરી આપતી ઇમિગ્રેશન પગાર સૂચિને રદ કરવામાં આવશે. પોઈન્ટ-આધારિત સિસ્ટમની ઍક્સેસ લાંબા ગાળાની અછત ધરાવતી નોકરીઓ સુધી મર્યાદિત રહેશે, જેમાં વર્કફોર્સની વ્યૂહરચના અને સ્થાનિક લોકોની ભરતી માટેની પ્રતિબદ્ધતાઓ સહિત સમય મર્યાદા અને શરતોનો સમાવેશ થાય છે.
વિદેશી લેબર ફોર્સની નિર્ભરતાને ઘટાડવા માટે, એમ્પલોયર્સ પર સ્થાનિક તાલીમમાં રોકાણ કરવા માટે નવી જવાબદારીઓ મૂકવામાં આવશે. ઉદ્યોગ ક્ષેત્રો સાથે સરકારના જોડાણ દ્વારા સમર્થિત, નિર્ણયોની માહિતી આપવા માટે એક નવું લેબર માર્કેટ એવિડન્સ ગ્રુપ વધુ સારો ડેટા આપશે.
સૌથી મહત્વપૂર્ણ ફેરફારોમાંનો એક વિદેશી અરજદારો માટે નવા હેલ્થ કેર વિઝા બંધ કરવાનો છે. જ્યારે વર્તમાન વિઝા ધારકો 2028 સુધી સ્થાનિક રીતે વિઝા લંબાવી અથવા બદલી શકે છે. આ નીતિનો હેતુ એડલ્ટ સોસ્યલ કેર માટે સ્થાનિક વર્કફોર્સના આયોજનમાં સુધારાને આગળ ધપાવવાનો છે.
સ્ટુડન્ટ વિઝા નિયમો પણ કડક બનશે. એજ્યુકેશન આપનારી સંસ્થાઓને કડક કન્પલાયન્સ ચેકનો સામનો કરવો પડશે, અને જે સ્પોન્સર્સ ખરાબ પ્રદર્શન કરશે તેમને નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીમાં પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. ગ્રેજ્યુએટ વિઝા, જે હાલમાં પોસ્ટ-સ્ટડી વર્કને મંજૂરી આપે છે, તેને ઘટાડીને 18 મહિના કરવામાં આવશે.
ફેમિલી ઇમિગ્રેશન રૂટ્સ સુવ્યવસ્થિત કરવામાં આવશે, જેનાથી “અપવાદરૂપ” ગણાતા કેસોની સંખ્યા ઘટાડશે. નવો કાયદો સ્પષ્ટ કરશે કે યુકેમાં કોણ રહે છે તે અંગેના નિર્ણયો સંસદ પાસે રહેશે, દેશનિકાલનો પ્રતિકાર કરવા માટે કલમ 8 (કૌટુંબિક જીવનનો અધિકાર) ના દુરુપયોગને પણ સંબોધિત કરાશે.
આર્થિક વિકાસને ટેકો આપવા માટે, યુકે હાઇલી સ્કીલ્ડ વ્યક્તિઓ માટે વિઝા રૂટ્સનો વિસ્તાર કરશે. ફેરફારોમાં રિસર્ચ ઇન્ટર્ન માટે વધુ જગ્યાઓ, ગ્લોબલ ટેલેન્ટ વિઝામાં સુધારા, અને ઇનોવેટર ફાઉન્ડરની સમીક્ષાઓ અને આર્થિક અસરને મહત્તમ કરવા માટે ઉચ્ચ સંભવિત વ્યક્તિગત રૂટ્સનો સમાવેશ થાય છે.
વિદેશી અપરાધીઓ માટે દેશનિકાલ પ્રક્રિયાને વિસ્તૃત કરવામાં આવશે જેમાં બિન કસ્ટોડિયલ સજાનો સમાવેશ કરવામાં આવશે અને ગુનાઓની ગંભીરતા, ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા, વધુ સારી રીતે પ્રતિબિંબિત થશે. દેશનિકાલના થ્રેશોલ્ડ અને કાયદાકીય અપવાદોની તે મુજબ સમીક્ષા કરવામાં આવશે.
કાયમી વસવાટ અને નાગરિકતાનો માર્ગ વધુ કઠિન બનશે. વસવાટ માટે લાયકાતનો સમયગાળો પાંચથી દસ વર્ષ સુધી બમણો થશે અને વસવાટ અને નાગરિકતા માટે પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે યોગદાન-આધારિત મુદ્દાઓ રજૂ કરવામાં આવશે.
