(@ONGC_ via PTI Photo)

પ્રખ્યાત ખગોળ ભૌતિકશાસ્ત્રી, સાયન્સ કમ્યુનિકેટર અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા ડૉ. જયંત વિષ્ણુ નાર્લીકરનું મંગળવાર, 20મેએ પુણેમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષના હતાં. તેઓ ત્રણ પુત્રીઓને વિલાપ કરતાં છોડી ગયા છે.
ભારતીય વિજ્ઞાન જગતના એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ ડૉ. નાર્લીકર બ્રહ્માંડવિજ્ઞાનમાં અગ્રણી યોગદાન, વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો અને દેશમાં અગ્રણી સંશોધન સંસ્થાઓની સ્થાપના માટે જાણીતા બન્યાં હતાં.

પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. નાર્લીકરનું મંગળવારે વહેલી સવારે ઊંઘમાં અવસાન થયું હતું. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાની જાહેરાત કરી હતી.
19 જુલાઈ, 1038ના રોજ જન્મેલા ડૉ. નાર્લીકરે તેમનું પ્રારંભિક શિક્ષણ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના કેમ્પસમાં પૂર્ણ કર્યું હતું, જ્યાં તેમના પિતા, વિષ્ણુ વાસુદેવ નાર્લીકર ગણિત વિભાગના પ્રોફેસર અને વડા હતા. આ પછી ઉચ્ચ અભ્યાસ માટે કેમ્બ્રિજ ગયા હતાં જ્યાં તેઓ મેથેમેટિકલ ટ્રિપોસમાં રેંગલર અને ટાયસન મેડલિસ્ટ બન્યાં હતાં.

તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (૧૯૭૨-૧૯૮૯)માં જોડાવા માટે ભારત પાછા ફર્યા હતાં.જ્યાં તેમના વડપણ હેઠળ થીઓરેટીકલ એસ્ટ્રોફિઝિક્સ ગ્રુપનું વિસ્તરણ થયું હતું અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવ્યું હતું.
1988 યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ડૉ. નાર્લિકરને ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA)ની સ્થાપના તેમને આમંત્રણ આપ્યું હતું. ૨૦૦૩માં નિવૃત્તિ સુધી તેમણે IUCAAના ડિરેક્ટર પદ સંભાળ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ IUCAAએ ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રમાં શિક્ષણ અને સંશોધનમાં શ્રેષ્ઠતા કેન્દ્ર તરીકે વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી છે. તેઓ IUCAAમાં એમેરિટસ પ્રોફેસર હતા.

2012 થર્ડ વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સિસે ડૉ. નાર્લીકરને વિજ્ઞાનમાં શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપવા બદલ તેમનો પુરસ્કાર એનાયત કર્યો હતો. વૈજ્ઞાનિક સંશોધન ઉપરાંત, ડૉ. નાર્લીકર તેમના પુસ્તકો, લેખો અને રેડિયો/ટીવી કાર્યક્રમો દ્વારા વિજ્ઞાન સંચારક તરીકે જાણીતા હતાં.

તેઓ તેમની વિજ્ઞાન સાહિત્ય વાર્તાઓ માટે પણ જાણીતા છે. આ તમામ પ્રયાસો માટે તેમને 1996માં યુનેસ્કો દ્વારા લોકપ્રિય વિજ્ઞાન કાર્યો માટે કલિંગ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.ડૉ. નાર્લીકરને ૧૯૬૫માં ૨૬ વર્ષની નાની ઉંમરે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

LEAVE A REPLY