ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની જાહેરાત આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે.

આ અંગે તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે, 196 નર, 330 માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા 891 સિહોની સંખ્યા આ 16મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે.

રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેકટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તારીખ 10થી 13 મે દરમિયાન 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચોરસ કિ.મી વિસ્તારમાં વનકર્મીઓ અને સરપંચો, ગ્રામજનો સહિત 3854નું માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું. તેમણે આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું કે, 2001માં સિંહની સંખ્યા 327, 2005માં ૩૫૯, 2010માં 411, 2015માં 523 અને 2020માં 674 હતી તે હવે વધીને આ વર્ષે વધીને 891 પર પહોંચી છે.

મુખ્ય પ્રધાને સિંહની વસ્તીના અંદાજો મેળવવામાં જે મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા પણ આપી હતી. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળી હતી.

LEAVE A REPLY