પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલના સર્વોચ્ચ લશ્કરી રેન્ક પર મંગળવારે બઢતી અપાઈ હતી. જનરલ અસીમ મુનીર પાકિસ્તાનના ઇતિહાસમાં બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે. અગાઉ અયુબ ખાને ૧૯૫૯-૧૯૬૭ દરમિયાન આ પદ સંભાળ્યું હતું. ભારતીય સેનાના હાથે કારમી હાર બાદ જનરલ મુનીરને આ ઇનામ મળ્યું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે શાહબાઝ સરકારે સેનાના તૂટેલા મનોબળને વધારવા માટે મુનીરને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનમાં આ સન્માન ખૂબ જ દુર્લભ પ્રસંગોમાં આપવામાં આવે છે સશસ્ત્ર દળોમાં કારકિર્દી દરમિયાન શાનદાર કામગીરી રેકોર્ડ બદલ આ હોદ્દો આપવામાં આવતો હોય છે.
એક આશ્ચર્યજનક અને રમૂજી નિર્ણયમાં, વડાપ્રધાન શાહબાઝ શરીફના નેતૃત્વ હેઠળના પાકિસ્તાનના પ્રધાનમંડશે સેના પ્રમુખને બઢતી આપવાના પ્રસ્તાવને ‘મંજૂરી’ આપી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાથી શરૂ થયેલી ભારત સામે શ્રેણીબદ્ધ લશ્કરી કાર્યવાહીના થોડા દિવસો બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
ભારત સાથેના સંઘર્ષ દરમિયાન તેમના યોગદાનને માન્યતા આપવા પાકિસ્તાન સરકારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ ઝહીર અહમદ બાબર સિદ્ધુનો સેવા સમયગાળો પણ સર્વાનુમતે લંબાવ્યો છે.
