જાણીતી ફાયનાન્શિયલ સર્વિસીઝ કંપની જેપી મોર્ગને તાજેતરમાં તેના એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, ભારત આર્થિક સમૃદ્ધિ પર આગળ વધી રહ્યું છે. વૈશ્વિક ટ્રેડવોરની પરિસ્થિતિમાં ભારતનું અર્થતંત્ર સુરક્ષિત છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ ભારત આર્થિક ક્ષેત્રે સુરક્ષિત સ્થાન બનીને ઊભરી આવશે અને તેના અર્થતંત્રમાં તેજી જોવા મળશે તેમ જ ઝડપી ગતિએ આગળ વધશે. કંપનીના સર્વેમાં સામેલ દેશોમાંથી ભારતનો જીડીપી સૌથી વધુ રહેવાનો અંદાજ છે. જેપી મોર્ગને ભારત અંગે જણાવ્યું હતું કે, વિશ્વમાં ટ્રેડવોરનો બીજો તબક્કો શરૂ થઈ શકે છે. આ સ્થિતિમાં પણ ભારત સુરક્ષિત છે. ટેરિફ વોરમાં મોટા દેશ એક-બીજા પર ટેરિફ વધારી શકે છે. આ સ્થિતિમાં રોકાણકાર સુરક્ષિત સ્થળની શોધ કરશે. જેમાં ભારત મજબૂત ફંડામેન્ટલ્સ અને સ્થિર નીતિઓના કારણે રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બની શકે છે.
રીપોર્ટમાં જણાવ્યા મુજબ, ભારતની ઈકોનોમિક સાયકલ પોઝિટિવ હોવાનું જણાવ્યું છે. ભારતની ઈકોનોમિક સાયકલ પોઝિટિવ રહેવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમાં વ્યાજના દરોમાં ઘટાડો, ગ્રામીણ ક્ષેત્રોમાં માગમાં વધારો અને ટેક્સમાં ઘટાડો જેવાં પરિબળો સામેલ છે. વ્યાજના દરોમાં ઘટાડો નોંધાતાં લોકોની ખરીદશક્તિ વધશે. જેનો સીધો લાભ અર્થતંત્રને મળશે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ માગ વધવાથી ભારતનું અર્થતંત્ર વેગવંતુ બનશે. ટેક્સમાં ઘટાડાની માગ કરીએ તો લોકો અને કંપનીઓ પાસે ખર્ચ તથા રોકાણ કરવાની ક્ષમતા વધશે, જેનાથી દેશના અર્થતંત્રને વેગ મળશે.
