ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા, ભૂજ, અમદાવાદ અને પછી મંગળવારે ગાંધીનગરમાં મેગા રોડશો યોજ્યો હતો. આ રોડ શો ગાંધીનગરના રાજભવનથી શરૂ થયો હતો અને મહાત્મા મંદિર ખાતે સમાપ્ત થયો હતો. રસ્તા પર ત્રિરંગો લહેરાવતા લોકો મોટી સંખ્યામાં એકઠા થયાં હતાં.
વડાપ્રધાન મોદી કેસરી કલરની ખુલ્લી કારમાં સવાર થયા હતાં અને તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતાં. રોડ પર મોદી મોદીના નારા લોકોએ લગાવ્યાં હતાં. મોટી સંખ્યામાં લોકો હાથમાં તીરંગા લઈને ઉભા હતાં અને મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું.
ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી રાજ્યમાં કુલ રૂ.82,950 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે.
મંગળવાર, 27મેએ ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં મોદી ગુજરાત શહેરી વિકાસ ગાથાની 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે અને ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ 2025નું લોન્ચિંગ કરશે. પ્રધાનમંત્રી ગેજ રૂપાંતરિત કટોસણ-કલોલ સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે અને તેના પર એક માલગાડીને લીલી ઝંડી આપશે.
ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ એ મુખ્યપ્રધાન તરીકે મોદી દ્વારા શરૂ કરાયેલ એક મુખ્ય પહેલ હતી, જેનો ઉદ્દેશ્ય આયોજિત માળખાગત સુવિધાઓ, બહેતર શાસન અને શહેરી રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તામાં સુધારો કરી ગુજરાતના શહેરી લેન્ડસ્કેપને પરિવર્તન લાવવાનો હતો. તેઓ શહેરી વિકાસ, આરોગ્ય અને પાણી પુરવઠા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
