ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વડોદરા પછી અમદાવાદમાં પણ ભવ્ય રોડ શો કર્યો હતો. અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધીના આશરે બે કિમી લાંબા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તિરંગા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી કેસરી કલરની ખુલ્લી કારમાં સવાર થયા હતાં અને તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ જોડાયા હતા. .
વડાપ્રધાન મોદી સાંજે 7:30 વાગ્યાના આસપાસ ભૂજથી અમદાવાદના એરપોર્ટ પર પહોચ્યા હતા. બાદમાં તેમનો રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો. આ રોડ શોને લઈને અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી હતી. રોડ પર મોદી મોદીના નારા લોકોએ લગાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાથમાં તીરંગા લઈને ઉભા હતા.
વડાપ્રધાનના રોડ શોને પગલેઅમદાવાદ પોલીસ કમિશનરે જાહેર જનતા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરક્ષા કારણોસર શહેરમાં ટ્રાફિક નિયંત્રણો અને ડાયવર્ઝનની જાહેરાત કરતી એક એડવાઇઝરી જારી કરી હતી. ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી રાજ્યમાં કુલ રૂ.82,950 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે.
