LEEDS, ENGLAND - JUNE 24: Jamie Smith of England celebrates victory with teammate Joe Root after hitting the winning runs during Day Five of the 1st Rothesay Test Match between England and India at Headingley on June 24, 2025 in Leeds, England. (Photo by George Wood/Getty Images)
લીડ્સના હેડિંગ્લીમાં ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે મંગળવારે ભારતને પાંચ વિકેટે હરાવી સીરીઝનો પ્રભાવશાળી રીતે આરંભ કર્યો હતો. ઈંગ્લેન્ડે ચોથી ઈનિંગમાં વિજય માટેનો 371 રનનો ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવીને 82 ઓવરમાં હાંસલ કર્યો હતો. ટીમે પાંચ વિકેટે 373 રન કર્યા હતા. તેના ઓપનર્સ ઝેક ક્રોલી અને બેન ડકેટે 188 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. ડકેટે 149 અને ક્રોલીએ 65 રન કર્યા હતા, તો જો રૂટે અણનમ 53 અને જેમી સ્મિથે અણનમ 44 કર્યા હતા. ચોથી ઈનિંગમાં સફળ રનચેઝનો ઈંગ્લેન્ડ માટે આ બીજો સૌથી વધુ સ્કોર રહ્યો હતો.
ભારતના ટોપ ઓર્ડરના બેટર્સે બન્ને ઈનિંગમાં શાનદાર બેટિંગ કરતાં પહેલી ઈનિંગમાં ત્રણ બેટર્સની સદી સાથે 471 રન કર્યા હતા. ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલ, નવોદિત સુકાની શુભમન ગિલ અને વિકેટકીપર, ઉપસુકાની ઋષભ પંતે પહેલી ઈનિંગમાં સદી કરી હતી, તો ઈંગ્લેન્ડ તરફથી સુકાની બેન સ્ટોક્સ અને જોશ ટંગે ચાર-ચાર વિકેટ લીધી હતી.
જવાબમાં ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 465 રન કર્યા હતા અને ભારતને નામની, ફક્ત છ રનની સરસાઈ મળી હતી. ભારતીય ટીમે છ કેચ ગુમાવ્યા હતા જેમાંથી ચાર તો એકલા બુમરાહની બોલિંગમાં જ પડતા મુકાયા હતા. આમાંથી ત્રણ કેચ ગુમાવવાની નામોશી યશસ્વી જયસ્વાલને નામે નોંધાઈ હતી. આટલા જીવતદાનના લાભાર્થીઓમાં ઈંગ્લેન્ડ તરફથી સદી કરનારા ઓલી પોપ, ફક્ત એક રન માટે સદી ચૂકેલા હેરી બ્રૂક અને અડદી સદી કરનારા બેન ડકેટનો પણ સમાવેશ થાય છે. તેમછતાં, જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી શાનદાર દેખાવ કર્યો હતો.
ભારતની બીજી ઈનિંગમાં બીજા ઓપનર કે. એલ. રાહુલ અને ઋષભ પંતે સદી કરી હતી, તે સાથે ટીમનો સ્કોર બીજી ઈનિંગમાં 364 રનનો હતો. ઈંગ્લેન્ડ તરફથી જોશ ટંગ અને બ્રાયડન કાર્સે 3-3 વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY