ભારતના ડબલ ઓલિમ્પિક મેડાલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન એથ્લીટ નીરજ ચોપરા પેરિસ ડાયમંડ લીગમાં ૮૮.૧૬ મીટરના થ્રો સાથે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં વિજયી રહ્યો હતો. દોહા ડાયમંડ લીગ અને પોલેન્ડની મેમોરિયલ ઈવેન્ટમાં બીજા સ્થાને રહેલા નીરજે તેના કટ્ટર હરિફ જુલિયન વેબ્બરને પરાસ્ત કરી આ ટાઈટલ મેળવ્યું હતુ. નીરજનું છેલ્લા બે વર્ષમાં આ પ્રથમ ડાયમંડ લીગ ટાઈટલ છે. અગાઉ દોહા અને પોલેન્ડની સ્પર્ધામાં નીરજને વેબ્બરે હરાવ્યો હતો.
પેરિસ ડાયમંડ લીગમાં નીરજે પહેલા જ થ્રોમાં ૮૮.૧૬ મીટરનું અંતર હાંસલ કરી લીધું હતું. ૩૧ વર્ષનો વેબ્બર ૮૭.૮૮ મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો. બ્રાઝિલના લુઈસ મૌરિસિયોડી સિલ્વાને ત્રીજો ક્રમ મળ્યો હતો અને તેણે ૮૬.૬૨ મીટરનું અંતર હાંસલ કર્યું હતુ.
નીરજ આઠ વર્ષ બાદ પેરિસ ડાયમંડ લીગમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો. છેલ્લે તે અહીં ૨૦૧૭માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયન હતો, ત્યારે સ્પર્ધામાં ઉતર્યો હતો અને ૮૪.૬૭ મીટરના થો સાથે પાંચમા ક્રમે રહ્યો હતો.
