(Photo by Kevin Dietsch/Getty Images)

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કેનેડા સાથેની વેપાર મંત્રણાને અચાનક બંધ કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. પ્રેસિડન્ટે એક સપ્તાહમાં કેનેડાની પ્રોડક્ટ્સ પર નવી ટેરિફ લાદવાની પણ ચીમકી આપી હતી. ટ્રમ્પના આ પગલાથી બંને દેશો વચ્ચે વેપાર સમજૂતીનું ભાવિ અનિશ્ચિત બન્યું હતું.

તાજેતરમાં  કેનેડામાં G7 બેઠકમાં ટ્રમ્પ અને કેનેડિયન વડાપ્રધાન માર્ક કાર્ની 30 દિવસમાં નવી વેપાર સમજૂતીની મંત્રણા પૂરી કરવા સંમત થયા હતાં. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કેનેડા ટેકનોલોજી કંપનીઓ પર જંગી ટેક્સ લાદવાની યોજનાને વળગી રહ્યું છે. આ ટેક્સ આપણા દેશ પરનો સીધો હુમલો છે. આ જંગી ટેક્સને કારણે અમે કેનેડા સાથે વેપાર અંગેની તમામ મંત્રણાઓ તાત્કાલિક ધોરણે સમાપ્ત કરી રહ્યા છીએ. અમે આગામી સાત દિવસની અંદર કેનેડાને અમેરિકા સાથે વેપાર કરવા માટે ચૂકવવામાં આવનાર ટેરિફ વિશે જણાવીશું.

મંત્રણાને ફરી ચાલુ કરવા માટે કેનેડાએ શું કરવું જોઇએ તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે કેનેડા ડિજિટલ ટેક્સને નાબૂદ કરી શકે છે.

કેનેડાના સોમવારથી અમલમાં આવનારા ડિજિટલ સર્વિસ ટેક્સથી એમેઝોન, ગૂગલ, મેટા, ઉબેર અને એરબીએનબી જેવી કંપનીઓને ફટકો પડશે. આ કંપનીઓ કેનેડાના યુઝર્સ પાસેથી મળેલી આવક પર 3 ટકા ટેક્સ ભરવો પડશે. આ ટેક્સ પાછલી અસરથી લાગુ થશે, જેના કારણે યુએસ કંપનીઓને મહિનાના અંતમાં 2 અબજ ડોલરનો ટેક્સ ભરવો પડશે.

ટ્રમ્પે કેનેડાની સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર 50 ટકા ટેરિફ તેમજ ઓટો પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. તેઓ મોટાભાગના દેશોમાંથી થતી આયાત પર 10 ટકા ટેરિફ પણ વસૂલ કરી રહ્યા છે.  આ ટેરિફમાં 9 જુલાઈથી વધુ થઈ શકે છે, કારણ કે ટ્રમ્પે નક્કી કરેલા 90 દિવસનો સમયગાળો તે દિવસે પૂરો થાય છે.

 

LEAVE A REPLY