ભારતીય સમુદાયને મોટી રાહત થાય તેવી એક હિલચાલમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ‘વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ’ના સુધારેલા ડ્રાફ્ટમાં સૂચિત રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સને 3.5%થી ઘટાડી માત્ર 1% કરવામાં આવ્યો છે. સેનેટમાં આ બિલનું નવું વર્ઝન રજૂ કરાયું છે. આ બિલને 4 જુલાઈ પહેલા મંજૂરી અપાય તેવી શક્યતા છે. સૂચિત ટેક્સ 31 ડિસેમ્બર, 2025 પછી કરાતા રેમિટન્સને લાગુ પડશે.
સુધારેલા બિલમાં રેમિટન્સ ટેક્સના દાયરામાં પણ ઘટાડો કરાયો છે. બેન્ક અને અન્ય નાણાકીય સંસ્થાઓના ખાતામાંથી કરાતાં નાણાના ટ્રાન્સફરનું પણ ટેક્સમાંથી બાકાત રહેશે. આ ઉપરાંત અમેરિકામાં જારી કરાયેલાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ દ્વારા કરાતી નાણાની ટ્રાન્સફરને બાકાત રખાઈ છે. આમ સુધારેલા બિલ મુજબ દૈનિક રેમિટન્સને આ ટેક્સમાં મુક્તિ મળશે.
નવી દરખાસ્ત અનુસાર રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સ માત્ર એવા ટ્રાન્સફરને લાગુ પડશે, જેમાં નાણાં મોકલનાર વ્યક્તિ રેમિટન્સ ટ્રાન્સફરની સેવા પૂરી પાડનારને રોકડ, મની ઓર્ડર, કેશિયર્સ ચેક સ્વરૂપે નાણાં ટ્રાન્સફર કરવા આપે. નવા બિલ મુજબ દૈનિક રેમિટન્સ નવા કરની જાળમાંથી બહાર થઈ જશે. ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલાં મૂળ બિલમાં રેમિટન્સ પર પાંચ ટકા ટેક્સ લાદવાની દરખાસ્ત હતી. જોકે અંતે ગૃહમાં થયેલી ચર્ચા બાદ તે ઘટાડીને 1 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો.
ટ્રમ્પના મૂળ બિલમાં 5 ટકા રેમિટન્સ ટેક્સની દરખાસ્ત હતી, પરંતુ અંતિમ હાઉસ વર્ઝનમાં તેને ઘટાડીને 3.5 ટકા કરાયો હતો. આ પછી યુએસ સેનેટના ડ્રાફ્ટમાં તેમાં વધુ ઘટાડો કરાયો છે.
ઉલ્લેખનીય છે કે રેમિટન્સ ટેક્સ નાખવાની ટ્રમ્પ સરકારની દરખાસ્તને પગલે ત્યાં મોટી સંખ્યામાં વસતાં બિનનિવાસી ભારતીયોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અમેરિકામાં લગભગ 45 લાખ વિદેશી ભારતીયો છે, જેમાં લગભગ 32 લાખ પીઆઈઓનો સમાવેશ થાય છે. જે અમેરિકામાં વસતાં વિદેશી નાગરિકોમાં બીજી ક્રમે છે.
માર્ચ મહિનામાં ભારતીય રિઝર્વ બેન્કે જાહેર કરેલા રેમિટન્સ સર્વે મુજબ ભારતને 2023-24માં 118.7 અબજ ડોલરનું રેમિટન્સ મળ્યું હતું. આમાંથી આશરે 28 ટકા અથવા 32 બિલિયન ડોલર અમેરિકામાંથી આવ્યા હતાં.
