(PTI Photo)

તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના પશમ્યલારમ ખાતે સિગાચી ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં સોમવારે થયેલા વિસ્ફોટનો મૃત્યુઆંક મંગળવારે સવારે 42 થયો હતો.

આ ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવે છે. જિલ્લા પોલીસ અધિકારી પરિતોષ પંકજે જણાવ્યું હતું કે, ‘કાટમાળ દૂર કરતી વખતે ઘણાં મૃતદેહો મળી આવ્યા હતાં. કાટમાળમાંથી ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતો. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે.’

સોમવારે (30મી જૂન) આ ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટ પાછળ રાસાયણિક પ્રતિક્રિયા એક મુખ્ય કારણ હોઈ શકે છે. વિસ્ફોટ થયો ત્યારે પ્લાન્ટમાં લગભગ 90 લોકો કામ કરી રહ્યાં હતાં. કંપનીની વેબસાઇટ અનુસાર સિગાચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક ફાર્માસ્યુટિકલ કંપની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખ અને ઈજાગ્રસ્તને રૂ.50,000ની સહાયની જાહેરાત કરી હતી. ફેક્ટરીના શ્રમિકો ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ ઉપરાંત તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત વિવિધ રાજ્યોના છે.

LEAVE A REPLY