
ભારતના બેડમિંટન ચાહકોને આખરે નવા ઉભરતા સિતારા મળી ગયા છે. 20 વર્ષના આયુષ શેટ્ટીએ રવિવારે આયોવામાં રમાઈ ગયેલી યુએસ ઓપનની ફાઈનલમાં કેનેડાના બ્રાયન યંગને સીધી ગેમ્સમાં 47 મિનિટના જંગમાં 21-18, 21-13થી હરાવી બીડબલ્યુએફ વર્લ્ડ ટુરનું પોતાનું સૌપ્રથમ ટાઈટલ હાંસલ કર્યું હતું. જો કે, મહિલા વર્ગમાં 16 વર્ષની તન્વી શર્માનો સંઘર્ષપૂર્ણ ફાઈનલમાં તેનાથી 18 વર્ષ મોટી, અમેરિકાની બેઈવિંગ ઝાંગ સામે 11-21, 21-61, 10-21થી પરાજય થયો હતો.
વિશ્વમાં 34મો ક્રમ ધરાવતો આયુષ શેટ્ટી આ સીઝનમાં ભારત તરફથી કોઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિદેશમાં ટાઈટલ પ્રાપ્ત કરનારો પહેલો ખેલાડી બન્યો છે. આ અગાઉ 2023માં લક્ષ્ય સેને કેનેડા ઓપનનું ટાઈટલ હાંસલ કર્યું હતું. આયુષ 2023માં જો કે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ્સમાં બ્રોંઝ મેડલ પ્રાપ્ત કરી ચૂક્યો છે.
તન્વી શર્મા માટે ફાઈનલની નિરાશા સિવાય વિતેલું સપ્તાહ ઘણું પ્રભાવશાળી રહ્યું હતું અને રનર્સ અપ રહેવા છતાં એ બીડબ્લ્યુએફ વર્લ્ડ ટુરની ફાઈનલ સુધી પહોંચનારી સૌથી નાની વયની સ્પર્ધક બની રહી છે. વિશ્વમાં 66મો ક્રમ ધરાવતી તન્વી ગયા વર્ષે એશિયન ટીમ ચેમ્પિયનશિપ્સમાં ટાઈટલ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો રહી ચૂકી છે.
