ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકીય સંકટમાં ફસાયેલી ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સના લોન ખાતાને ‘ફ્રોડ’ તરીકે વર્ગીકૃત કરવાનો તથા તેનો ભૂતપૂર્વ ડિરેક્ટર અનિલ અંબાણીનું નામ રિઝર્વ બેન્કને રીપોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઇના આ નિર્ણયથી અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થશે.
એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક, અનિલ અંબાણીનું એક સમયનું સમૃદ્ધ સામ્રાજ્ય ભારત અને વિદેશમાં છેતરપિંડી, ફંડ ડાઇવર્ઝન, બનાવટી ગેરંટી અને ડિફોલ્ટના આરોપો હેઠળ તૂટી પડ્યું છે.
રિલાયન્સ કોમ્યુનિકેશન્સે એક નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે તેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તરફથી 23 જૂન, 2025એ આ અંગેનો એક પત્ર મળ્યો છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) અને તેની પેટાકંપનીઓને બેંકો પાસેથી કુલ રૂ.31,580 કરોડની લોન લીધેલી છે. બેન્કની ફ્રોડ આઇડેન્ટિફિકેશન કમિટીની તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ ગ્રુપ કંપનીઓનો ઉપયોગ કરીને લોનનો મૂળ સિવાયના બીજો કોઇ હેતુઓ માટે જ ઉપયોગ થયો હતો.
કુલમાંથી રૂ.13,667,73 કરોડની લોન અથવા 44 ટકા લોનનો ઉપયોગ લોનના રિપેમેન્ટ અને બીજી નાણાકીય જવાબદારી માટે થયો હતો. આશરે 41 ટકા લોનનો ઉપયોગ સંબંધિત પક્ષોને ચુકવણી કરવા માટે થયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે એક સમયે દેશની બીજા ક્રમની આ સૌથી મોટી ટેલિકોમ કંપની હાલમાં નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.
નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે દેના બેન્ક પાસેથી લેવામાં આવેલી રૂ.250 કરોડની લોનનો પણ તેના મૂળ હેતુ તરીક ઉપયોગ કરાયો ન હતો.આ લોનને ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ (આઇસીડી) તરીતે રિલાયન્સ કમ્યુનિકેશન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડાઇવર્ટ કરાઈ હતી.
