અગ્રણી ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટે બુધવારે આશરે 9,100 કર્મચારીઓની છટણી કરી હતી. 2023 પછી કંપનીની આ સૌથી મોટી છટણી હતી. આ ટેકનોલોજી કંપનીના નિર્ણયથી તેના આશરે 4 ટકા કર્મચારીઓ પ્રભાવિત થયા છે.
માઇક્રોસોફ્ટ જૂન 2024ના રોજ વિશ્વભરમાં લગભગ 228,000 કર્મચારીઓ ધરાવતી હતી. માઇક્રોસોફ્ટે મે મહિનામાં છટણીની પણ જાહેરાત કરી હતી, જેનાથી લગભગ 6,000 કર્મચારીઓ પ્રભાવિત થયા હતાં.
આ કાપથી Xbox ગેમિંગ વિભાગને ખાસ કરીને ભારે ફટકો પડ્યો હતો. આ ડિવિઝનમાં છટણીની સાથે અનેક હાઇ-પ્રોફાઇલ ગેમ રદ કરવાની અને સ્ટુડિયો બંધ કરવાની જાહેરાત કરાઈ હતી.
કંપનીએ “ગતિશીલ બજારમાં સફળતા માટે કંપની અને ટીમોને શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવા માટે જરૂરી સંગઠનાત્મક ફેરફારો”ને કાર્યબળ ઘટાડા માટેના પ્રાથમિક કારણ તરીકે ટાંક્યા હતાં.
ગેમ પ્રોજેક્ટ્સ રદ થતાં ગેમિંગ સ્ટુડિયો બંધ થવાનો ભય છે. છટણીથી માઇક્રોસોફ્ટની ગેમિંગ પેટાકંપનીઓમાં સેંકડો નોકરીઓ ખતમ થઈ ગઈ છે. જેમાં કિંગ (કેન્ડી ક્રશના નિર્માતાઓ), ઝેનીમેક્સ, રેવેન સોફ્ટવેર, સ્લેજહેમર ગેમ્સ, હાલો સ્ટુડિયો અને ટર્ન 10 સ્ટુડિયોનો સમાવેશ થાય છે. માઇક્રોસોફ્ટે ધ ઇનિશિયેટિવ સ્ટુડિયો પણ બંધ કરી દીધો છે અને વર્ષોના વિકાસ પછી ખૂબ જ અપેક્ષિત પરફેક્ટ ડાર્ક રીબૂટ અને ફેન્ટસી ગેમ એવરવાઇલ્ડને રદ કરી દીધી છે.
