(PTI Photo)

જમ્મુ- કાશ્મીરમાં ગુરુવાર, 3 જુલાઈથી સુરક્ષાની મજબૂત વ્યવસ્થા સાથે 38 દિવસની અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો. ૩,૮૮૦ મીટર ઊંચાઈ આવેલા બાબા અમરનાથના મંદિરની યાત્રા બે ટ્રેક મારફત ચાલુ થઈ હતી. તેમાં અનંતનાગ જિલ્લામાં પરંપરાગત ૪૮ કિમી લાંબો નૂનવાન-પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં ૧૪ કિમી ટૂંકો પણ ઊંચો બાલતાલ માર્ગનો સમાવેશ થાય છે. આ યાત્રા ૯ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ યાત્રીઓના પ્રથમ જથ્થાને પ્રસ્થાન કરાવ્યું હતું. 5892 યાત્રીઓના પ્રથમ જથ્થામાં 1,115 મહિલા, 31 બાળકો અને 16 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થતો હતો..

અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં 3.31 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નરે ચુસ્ત સુરક્ષા વચ્ચે ભગવતી નગર બેઝ કેમ્પમાં પૂજા કરી હતી અને ત્યારબાદ કાશ્મીર ખાતે આવેલા બંને કેમ્પમાંથી યાત્રીઓને પ્રસ્થાન કરાવાયું હતું. સિંહાએ જણાવ્યું હતું કે, ભગવાન શિવની પવિત્ર ગુફામાં દર્શન કરી દરેકને આશીર્વાદ મળે અને શાંતિ જળવાઈ રહે તેવી શુભકામના પાઠવું છે.

યાત્રામાં RFID આધારિત ટ્રેકિંગ સીસ્ટમ પણ અમલી બનાવાઈ છે. ચંદનવારી અને બાલતાલ યાત્રા બેઝ કેમ્પ ખાતે ઓનજીસી દ્વારા 100 બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. શ્રીનગરમાં યાત્રી નિવાસ અને બોર્ડ ઓફિસ શરૂ થઈ ગઈ છે. બાલતાલ ખાતે 4 જુલાઈથી આ બંને સુવિધાનો પ્રારંભ થશે.

પવિત્ર ગુફા તરફ લઈ જતાં બંને માર્ગ છ ફૂટના હતા, જેને હવે 12 ફૂટના કરાયા છે. 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પ્રથમ વખત યાત્રા યોજાઈ રહી છે. આતંકવાદીઓના નાપાક મનસૂબા યાત્રીઓની શ્રદ્ધાને ડગાવી શક્યા નથી, જેનો પુરાવો તેમની સંખ્યા પરથી મળી રહ્યો છે.

 

LEAVE A REPLY