ઘાનાના અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઘાનાના પ્રેસિડન્ટ જોન મહામા વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. (@narendramodi X/ANI Photo)

આફ્રિકન દેશ ઘાનમાં બુધવાર, 2 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’થી સન્માન કરાયું હતું. વિશિષ્ટ રાજનીતિ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે ઘાનાના પ્રેસિડન્ટ જોન દ્રામાણી મહામાએ દેશના રાષ્ટ્રીય સન્માનનો એવોર્ડ મોદીને એનાયત કર્યો હતો. ભારત અને ઘાનાએ બુધવારે સંસ્કૃતિ, આરોગ્ય અને સંસ્થાકીય સંવાદ જેવા મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે ચાર સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા હતાં. પશ્ચિમ આફ્રિકન દેશની તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર 21 તોપોની સલામી સાથે મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2થી 9 જુલાઇ દરમિયાન બ્રાઝિલ સહિત પાંચ દેશોના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી 6 અને 7 જુલાઈએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. બ્રિક્સ સમીટમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સમિટમાં હાજરી આપશે નહીં, પરંતુ મોદીની હાજરી બ્રિક્સ પ્લેટફોર્મ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો સંકેત આપશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ વડાપ્રધાન 2-3 જુલાઈએ ઘાના, 3-4 જુલાઈએ ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, 4-5 જુલાઈએ આર્જેન્ટિના, 5-8 જુલાઈએ બ્રાઝિલ (બ્રિક્સ સંમેલન) અને 9 જુલાઈએ નામીબિયાનો પ્રવાસ ખેડશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘાના, નામિબિયા અને ત્રિનિદાદ અને ટોબેગોની સંસદોને સંબોધિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસનો મુખ્ય હેતુ બ્રાઝિલમાં આગામી સપ્તાહે યોજાનાર બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવાનો રહેશે. બ્રિક્સ દેશો વિશ્વના 11 ઉભરતા અર્થતંત્રનું ગ્રુપ છે, જે વૈશ્વિક વસ્તીના અંદાજે 49.5 ટકા લોકો, વૈશ્વિક જીડીપીનો 40 ટકા હિસ્સો, વૈશ્વિક વેપારમાં 26 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે.

બ્રિક્સના મૂળ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન તથા દક્ષિણ આફ્રિકા સામેલ છે. આ ઉપરાંત 2024માં વિસ્તાર કરીને ગ્રીસ, ઈથોપિયા, ઈરાન તથા યુએઈને સામેલ કરાયા હતાં. આ વર્ષે તેમાં ઈન્ડોનેશિયાનો ઉમેરો કરાશે. આગામી વર્ષે બ્રિક્સ સંમેલન ભારતમાં યોજાશે, જેને પગલે વડાપ્રધાન મોદીની આ યાત્રાને ઘણી મહત્વની ગણાય છે.

 

LEAVE A REPLY