યુકેના વિખ્યાત રિટેલર બેસ્ટવે ગ્રુપના સ્થાપક સર અનવર પરવેઝ, OBE H Pkના ૯૦મા જન્મદિવસની ઉજવણી ભૂતપૂર્વ લોર્ડ ચાન્સેલર સર બ્રાન્ડન લુઈસ, ભૂતપૂર્વ મિનિસ્ટર્સ ટોમ ટુગેન્ધાત MBE VR અને લોર્ડ મૌડે અને કન્ઝર્વેટિવ, લેબર અને લિબરલ ડેમોક્રેટ પક્ષોના વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદોની ઉપસ્થિતીમાં હાઉસ ઓફ કોમન્સના ઐતિહાસિક ચર્ચિલ રૂમમાં કરવામાં આવી હતી. આ વર્ષે સર અનવરનો ૯૦મો જન્મદિવસ ઉપરાંત બેસ્ટવે ગ્રુપની ૫૦મી વર્ષગાંઠ પણ ઉજવવામાં આવી રહી છે.
લોર્ડ ચૌધરી CBE SI Pk દ્વારા આયોજીત આ ક્રોસ-પાર્ટી કાર્યક્રમમાં ભૂતપૂર્વ મિનિસ્ટર્સે બ્રિટિશ સમાજમાં સર અનવરના યોગદાનની પ્રશંસા કરી હતા તો શ્રી ટૂગેન્ધાત અને લોર્ડ મૌડે તેમને “બ્રિટિશ સમાજમાં સારી રહેલી દરેક વસ્તુનું જીવંત મૂર્ત સ્વરૂપ” તરીકે વર્ણવ્યા હતા.
સર બ્રાન્ડને મહેમાનોને જણાવ્યું કે ‘’બેસ્ટવેએ 1980ના દાયકા દરમિયાન તેમના પરિવારના નાના બિઝનેસને વિકસાવવામાં મદદ કરી હતી. આ દર્શાવે છે કે સર અનવરે તેમની કારકિર્દી દરમિયાન ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસીસને કેવી રીતે ટેકો આપ્યો હતો.
લોર્ડ મૌડે અને સર બ્રાન્ડને જ્યારે તેઓ ટોરી પાર્ટીના ચેરમેન તરીકે સેવા આપતા હતા ત્યારે સર અનવરે તેમના માટે આયોજિત કરેલી તેમની પાકિસ્તાનની યાત્રાઓ વિશે વાત કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન, યુકેમાં પાકિસ્તાનના હાઈ કમિશનર ડૉ. મોહમ્મદ ફૈઝલ અને બર્નલીના લોર્ડ ખાને બ્રિટન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સહ-અધ્યક્ષ નાઇજેલ હડલસ્ટન MP; લેબર સભ્ય સંસદ અફઝલ ખાન CBE; લિબરલ ડેમોક્રેટ પીઅર લોર્ડ કુર્બાન હુસૈન; ભૂતપૂર્વ ફોરેન ઓફિસ મિનિસ્ટર લોર્ડ તારિક અહેમદ; લોર્ડ ડોલર પોપટ અને લોર્ડ ફિલિપ સ્મિથ ઉપસ્થિત રહ્યા હતા.
સર અનવરની વાર્તા પાકિસ્તાનના એક નાના ગામથી શરૂ થઈ હતી. તેઓ 1956માં 21 વર્ષની ઉંમરે ઓછા પૈસા સાથે બ્રિટન આવ્યા હતા. બ્રેડફર્ડમાં વિવિધ નોકરીઓ કર્યા પછી, તેઓ લંડન ગયા હતા અને 1963માં તેમની પહેલી દુકાન ખોલી હતી. તેમણે 1976માં બેસ્ટવેની સ્થાપના કરી હતી જે આજે મલ્ટી બિલિયન પાઉન્ડના બિઝનેસમાં વિકસ્યું છે. બેસ્ટ વે વિશ્વભરમાં 47,000થી વધુ લોકોને રોજગારી આપે છે અને કંપની ફૂડ હોલસેલ, ફાર્માસ્યુટિકલ્સ, સિમેન્ટ અને બેંકિંગમાં કાર્યરત છે.
બેસ્ટવે હોલસેલ પાસે હવે યુકેમાં 62 ડેપો છે અને 100,000 રિટેલર્સને સેવા આપે છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર £3 બિલિયન છે અને તે 200થી વધુ શોપ્સ ધરાવે છે. તે કોસ્ટકટર, બેસ્ટ-વન અને બાર્ગેન બૂઝ ચેઈન પણ ચલાવે છે.
એશિયન ઉદ્યોગસાહસિક સર અન્વરે બેસ્ટવે ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે જેણે વિવિધ ચેરિટીઝને £44 મિલિયનથી વધુનું દાન આપ્યું છે. આ ફાઉન્ડેશન ગરીબ લોકોને શિક્ષણ અને તક આપી તેમના જીવનમાં સુધારો કરવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ સર અનવરને બર્થડે ટી માટે આમંત્રણ આપી સન્માનિત કર્યા
સર અનવર પરવેઝ, OBE H Pkઓબીઇ એચ પીકેને રોયલ એસ્કોટ રેસમાં રોયલ બોક્સમાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા સાથે ૯૦મા બર્થડે ટી માટે ૨૦ જૂન ૨૦૨૫ના રોજ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સર અનવરને તેમના ૯૦મા જન્મદિવસ પર સન્માનિત કરીને કિંગે બેસ્ટવેના સ્થાપક સર અનવરે તેમના ૬૦ વર્ષની કારકિર્દીમાં બ્રિટિશ સોસાયટીમાં જે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેની ઊંડી કદર દર્શાવી છે.
સર અનવર તેમના બિઝનેસ અને સખાવતી પ્રયાસો દ્વારા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને દેશના હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાં ગતિશીલતાને આગળ વધારવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે.
૧૯૮૭માં સ્થાપિત ચેરિટેબલ ટ્રસ્ટ બેસ્ટવે ફાઉન્ડેશન દ્વારા સર અનવરે રોયલ ચેરિટીઝ – બ્રિટિશ એશિયન ટ્રસ્ટ; ડ્યુક ઓફ એડિનબરા એવોર્ડ્સ; પાકિસ્તાન રિકવરી ફંડ અને પ્રિન્સેસ ટ્રસ્ટ સાથે લાંબા સમયથી કામ કર્યું છે.
આજ સુધી બેસ્ટવે ફાઉન્ડેશન યુકેમાં ચેરિટેબલ કાર્યો, શાળાઓ, યુનિવર્સિટીઓ અને હોસ્પિટલોને £૪૪ મિલિયનથી વધુનું દાન આપ્યું છે.
દર વર્ષે બેસ્ટવે ગ્રુપ રોયલ એસ્કોટ ખાતે તેનો ચેરિટી રેસ ડેનું આયોજન કરે છે; આ વર્ષે મુખ્ય લાભાર્થી ચેરિટી બ્રિટિશ એશિયન ટ્રસ્ટ હતી.
