શુક્રવાર, 27 જૂનના રોજ હેરોમાં આવેલ ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરે શ્રદ્ધા, એકતા અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે તેના અત્યાધુનિક કોમ્યુનિટી હબનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે સામુદાયીક જોડાણમાં એક જીવંત નવો અધ્યાય શરૂ થયો છે. રથયાત્રા અને અષાઢી બીજના શુભ દિવસે યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટનમાં ધાર્મિક નેતાઓ, મહાનુભાવો અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

10 ઓક્સફોર્ડ રોડ, HA3 7RG ખાતે આવેલ સિદ્ધાશ્રમ કોમ્યુનિટી હબ વરિષ્ઠ નાગરિકોથી લઈને ખાસ જરૂરિયાતો ધરાવતા યુવાનો, સંવેદનશીલ મહિલાઓથી લઈને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સાધકો સુધીના લોકો માટે એક સુરક્ષિત અને સમાવિષ્ટ સ્થળ બની રહેશે. આ હબ 15 ઓગસ્ટ 2025થી જાહેર ઉપયોગ માટે સત્તાવાર રીતે ખુલશે.

કાર્યક્રમનો પ્રારંભ યુકે અને ભારતના રાષ્ટ્રગીત સાથે શરૂ થયો હતો. ત્યારબાદ સિદ્ધાશ્રમ ટીમ દ્વારા દીપ પ્રગટાવી હનુમાન ચાલીસાના પાઠ કરાયો હતો.

મિનિસ્ટર ફોર સર્વિસીસ, સ્મોલ બિઝનેસ એન્ડ એક્સપોર્ટ અને એમપી  ગેરેથ થોમસે સેન્ટરને “અશાંત સમયમાં એકતાની દીવાદાંડી” ગણાવી કહ્યું હતું કે “દુનિયામાં ઘણીવાર જે વિભાજિત લાગે છે, આવી જગ્યાઓ આપણને આપણી સહિયારી માનવતાની યાદ અપાવે છે.” તેમણે આ પહેલ પાછળના દાતાઓ અને સ્વયંસેવકોની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે જેશામ કોન્ટ્રાક્ટર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શામજીભાઈ પટેલનું બિઝનેસ અને સખાવતી પ્રવૃત્તીઓમાં વૈશ્વિક પ્રભાવ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી બહુમાન કરાયું હતું.

સિધ્ધાશ્રમના આધ્યાત્મિક હૃદય સમાન પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ કહ્યું હતું કે ‘’આ હબ ફક્ત એક ઇમારત જ નહીં, પરંતુ માનવતા માટે પવિત્ર સ્થાન છે. હું ફક્ત એક રક્ષક છું. આ તમારું કેન્દ્ર છે, જે પ્રેમ, સત્ય અને કરુણા સાથે સેવા આપવા માટે બનાવવામાં આવ્યું છે.”

આ પ્રસંગે હેરોના ડેપ્યુટી મેયર, કાઉન્સિલર યોગેશ તેલી, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ઝુબિન રાઈટર, કૃપાશ હિરાણી એએમ, કાઉન્સિલર જેનેટ મોટે, કૃષ્ણા પૂજારા (સીઈઓ, એનફિલ્ડ સહેલી), અશોક કુમાર ચૌહાણ (બ્રિટિશ આર્મી વોરંટ ઓફિસર), ઘણા ભૂતપૂર્વ હેરો મેયર્સ, ગોપાલ સિંહ ભચુ (ચેર, હેરો ઇન્ટરફેથ ફોરમ), ઝોરોસ્ટ્રિયન સોસાયટીના સભ્યો, બ્રહ્માકુમારીઝ અને લંડનભરના મુખ્ય મંદિરો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

વૈશ્વી પટેલ, વાણી અને ટીમ ચિત્તલ દ્વારા સાસંકૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. ઇશાન શિવાનંદ (શિવયોગ યુકે)ના આધ્યાત્મિક પુસ્તક “ધ પ્રેક્ટિસ ઓફ ઇમોર્ટાલિટી”નું વિમોચન કરાયું હતું. ચિત્તલ શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

LEAVE A REPLY